પૃષ્ઠ:Gandhiji No Akshar Deh Vol.1C.pdf/૧૩૩

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
૨૯૨
ગાંધીજીનો અક્ષરદેહ


એલિન્સન, ડૉ. ટી. આર. : આરોગ્યશાસ્ત્ર વિષેના લેખક એમનાં પુસ્તકો ગાંધીજીને મદદરૂપ થયાં હતાં. જ્યાં સુધી સંતતિનિયમન વિષેના એમના સુધારક વિચારો બદલ તેમને વખોડી કાઢવાનો ઠરાવ થયો નહોતો ત્યાં સુધી એઓ લંડનની શાકાહારી સોસાયટીના સભ્ય હતા. ૧૯૧૪માં પ્લુરસીના દરદથી ગાંધીજી પીડાતા હતા તે વખતે એમની સારવાર કરી.

એલ્જિન, લૉર્ડ (૧૮૪૯-૧૯૧૭) : હિંદના વાઈસરૉય ૧૮૯૪–૯૯; પાછળથી દક્ષિણ આફ્રિકાના યુદ્ધસંચાલનની તપાસ માટેના રૉયલ કમિશનના અધ્યક્ષ, બ્રિટનના સંસ્થાન મંત્રી, ૧૯૦૫-૮.

એશોવે : ઝૂલુલૅન્ડ રિઝર્વનું વહીવટી કેન્દ્ર.

એસોટેરિક ક્રિશ્વિયન યુનિયન : આ સંઘ એડવર્ડ મેઇટલેન્ડે ૧૮૯૧માં સ્થાપ્યો. ૧૮૯૪માં ગાંધીજી એના એજન્ટ બન્યા. એસોટેરિક શબ્દ કંઈક અંશે રહસ્યવાદનો દ્યોતક છે. અને તે રહસ્યવાદ એમને માટે છે જે લોકો ઈશ્વર કે બ્રહ્મનું જ્ઞાન મેળવવાના ગુપ્ત સિદ્ધાંતોની દીક્ષા લે છે.

એસ્કમ્બ, સર હેરી (૧૮૩૮–૯૯) : નાતાલની સુપ્રિમ કોર્ટના આગળપડતા એડવોકેટ. નાતાલ સુપ્રિમ કોર્ટના વકીલમંડળના ગાંધીજીને સભ્ય બનાવવા અંગે એમણે હિમાયત કરી. ૧૮૯૭માં નાતાલના મુખ્ય મંત્રી.

કમરુદ્દીન, મહમદ કાસમ : જોહાનિસબર્ગના હિંદી વેપારી અને નાતાલ હિંદી કૉંગ્રેસના ક્રિયાશીલ સભ્ય.

કાઠિયાવાડ : સૌરાષ્ટ્ર તરીકે પણ ઓળખાય છે. પહેલાં નાનાં નાનાં દેશી રાજયો અથવા ઠકરાતોનો સમૂહ. પછી મુંબઈ રાજયમાં ભેળવી દેવાયો, હવે ગુજરાત રાજયમાં.

કાનૂન ૩, ૧૮૮૫નો : ટ્રાન્સવાલનો એક કાનૂન. એ કાનૂન કહેવાતા કુલીઓ, આરબો, મલાયો અને ટર્કિશ – સામ્રાજ્યના મુસ્લિમ પ્રજાજનોને લાગુ પડતો હતો. એનાથી તેમને માટે નાગરિક હકો વધુ સમય માટે લંબાવવાનું અને પ્રજાસત્તાકમાં સ્થાવર મિલકત ખરીદવાનું અશકય બનતું હતું. પાછળથી કુલીઓની બાબતમાં લોકસભાના ૧૮૮૭ના જાન્યુઆરીના ઠરાવથી મંજૂર કર્યા મુજબ અપવાદ કરવામાં આવ્યો જેથી તેઓ જાહેર સ્વચ્છતાનાં કારણોને લઈને ખાસ નક્કી કરેલી શેરીઓ, મહોલ્લાઓ, અને અલગ વસ્તીઓ (લોકે- શનો)માં સ્થાવર મિલકત ખરીદી શકતા. ૧૮૯૩ના પાર્લમેન્ટના એક વધુ ઠરાવથી એવો નિર્ણય લેવાયો કે બધા જ એશિયાઈઓને લોકેશનોમાં જ રહેવાની અને વેપાર કરવાની ફરજ પાડવામાં આવે. વેપાર કરવાને માટે નોંધણી કરવાનું અને ત્રણ પાઉંડની ફી ભરવાનું ફરજિયાત બનાવવામાં આવ્યું. આ કાનૂન લંડનની સમજૂતીનો વિરોધી માનવામાં આવ્યો હતો.

કિંફગ્સફર્ડ, ડૉ. ઍના : ફિઝિશિયન ડૉકટર, શાકાહારી, – धि परफेक्ट वे इन डाएट નામનો એમનો મહાનિબંધ પ્રગટ થયો હતો. પાછળથી બીજાં પુસ્તકો સાથે एड्रेसीस ऑन वेजिटेरियनिझम એડવર્ડ મેઇટલેન્ડ સાથે મળીને લખ્યું।

કેઈન, વિલિયમ સ્પ્રોસ્ટન (૧૮૪૨-૧૯૦૩) : બ્રિટિશ પાર્લમેન્ટના ચાર વખત સભાસદ; કૉંગ્રેસની બ્રિટિશ કમિટીની હિંદી પાર્લમેન્ટરી પેટાકમિટી ઉપર સેવા આપી. હિંદને સ્વરાજ આપવાની વાતને ટેકો આપ્યો. દક્ષિણ આફ્રિકાના હિંદીઓના મામલામાં ઊંડો રસ ધરાવતા હતા.

કેનિંગ્ટન : લંડનનું એક પરું.