પૃષ્ઠ:Gandhiji No Akshar Deh Vol.1C.pdf/૪૦

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૨૦૧
હિંદી મતાધિકાર
સર ચાર્લ્સ ઈલિયટે, લૉર્ડ સેલિસબરીના કાનૂન વડે વિસ્તારવામાં આવેલી તેમની ધારાસભા તરફથી આ અનિવાર્યપણે ગૂંચવાડાભર્યા કાનૂનને (ધિ બૅંગાલ સેનીટરી ડ્રેનેજ ઍકટ) આખરી સ્વરૂપ આપવામાં માત્ર દળબંધીવાળા વિરોધના અભાવની જ નહીં પરંતુ તેમને મળેલી કીમતી વ્યવહારુ મદદની ઉદારપણે સાક્ષી પૂરી છે. મોટા ભાગની ચર્ચાઓ ઘણી મદદરૂપ નીવડી, અને બંગાળને લેવાદેવા છે ત્યાં સુધી–જે પ્રાંતમાં ચૂંટણી પદ્ધતિ સૌથી ભારે મુસીબતભરી લાગતી હતી–आ प्रयोग एक आकरी कसोटी बाद सफळ पुरवार थयो छे. (ફરીથી નાગરી મેં કર્યું છે)

બીજો વાંધો એ છે કે દક્ષિણ આફ્રિકામાંના હિંદીઓ સૌથી નીચલા વર્ગના હિંદીઓમાંથી આવ્યા છે. આ કથન ભાગ્યે જ સાચું છે. અલબત્ત એ વાત વેપારી કોમ બાબતમાં સાચી નહીં પડે તેમ જ એ બધા જ ગિરમીટિયા હિંદીઓ જેમાંના કેટલાક હિંદમાંની સૌથી ઊંચી જ્ઞાતિના છે તેમને વિષે પણ સાચી નહીં પડે, બેશક એ બધા ઘણા ગરીબ લોકો છે. એમાંના કેટલાક હિંદમાં રખડુ કે ભામટા હતા. ઘણાખરા લોકો સૌથી નીચલા વર્ગના પણ છે. પરંતુ કોઈને પણ માઠું લગાડવાના હેતુ સિવાય મને કહેવા દો કે જે નાતાલમાંની હિંદી કોમ સૌથી ઉપલા વર્ગમાંથી આવી નહીં હોય તો અહીંની યુરોપિયન કોમ પણ એ વર્ગમાંથી આવી નથી. પણ મારું કહેવું એ છે કે આ હકીકતને અણધટનું મહત્ત્વ આપવામાં આવ્યું છે જો, અહીંનો હિંદી નમૂનારૂપ હિંદી નહીં હોય તો તેને તેવો બનવામાં મદદ કરવાની ફરજ સરકારની છે. અને જો વાચક નમૂનારૂપ હિંદી કેવો છે એ જાણવા ઇચ્છતો હોય તો હું તેને વિનંતી કરીશ કે તે મારો “ખુલ્લો પત્ર” વાંચે. એમાં અનેક અધિકાર ધરાવતી વ્યક્તિઓનાં કથનો એ વસ્તુ બતાવવાને એકઠાં કરવામાં આવ્યાં છે કે તે એક નમૂનારૂપ યુરોપિયનના જેટલો જ સંસ્કારી છે. અને જે રીતે યુરોપમાં એક સૌથી નીચલા વર્ગના યુરોપિયન માટે સૌથી ઊંચી પાયરીએ પહોંચવાનું સંભવિત છે તે જ રીતે હિંદમાં સૌથી નીચલા વર્ગના હિંદી માટે પણ છે. એકસરખી ઉપેક્ષાવૃત્તિને લઈને, અથવા પ્રત્યાઘાતી કાનૂનોને લઈને સંસ્થાનમાં હિંદી હજી પણ વધારે નીચો ઊતરવાનો અને એ રીતે તે પહેલાં નહોતો તેવો ખરેખરો ભયરૂપ બની જવાનો સંભવ છે. ધુતકારી કઢાયેલો, તિરસ્કારાયેલો, શાપિત થયેલો તે આવી જ સ્થિતિમાં મુકાયેલા બીજાઓએ જે કાંઈ કર્યું છે અને બીજાઓ જેવા થયા છે માત્ર તેવું જ કરશે અને તેવો જ થશે. એના તરફ પ્રેમ અને સદ્‍વર્તન બતાવાતાં તે બીજા કોઈ પણ રાષ્ટ્રની કોઈ પણ વ્યક્તિની માફક ઊંચે ચડવાને શક્તિમાન છે. જ્યાં સુધી એને સરખા સંજોગો નીચે હિંદમાં તે ભોગવતો હોય કે ભોગવનાર હોય તેવા હકો પણ આપવામાં નહીં આવે ત્યાં સુધી તેના પ્રત્યે સારો વર્તાવ રખાય છે એમ નહીં કહી શકાય.

હિંદીઓ મતાધિકાર શું ચીજ છે તે સમજતા નથી એમ કહેવું એ હિંદુસ્તાનના સારા ઈતિહાસની જાણી જોઈને અવગણના કરવા બરાબર છે. પ્રાચીનમાં પ્રાચીન કાળથી હિંદીઓ પ્રતિનિધિત્વના તત્ત્વને સૌથી સાચા અર્થમાં સમજ્યા છે અને તેની તેમણે કદર કરી છે. આ જ સિદ્ધાંત એટલે પંચાયતનો સિદ્ધાંત એક હિંદીને તેનાં બધાં કાર્યોમાં દોરવણી આપે છે. તે પોતાની