પૃષ્ઠ:Gandhiji No Akshar Deh Vol.1C.pdf/૫૯

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૨૨૦
ગાંધીજીનો અક્ષરદેહ

આ પુસ્તિકા તૈયાર થઈ રહી હતી તે દરમિયાન મિ. મેડને બેલેરમાં એક ભાષણ કર્યું અને એ સભામાં એક વિચિત્ર ઠરાવ પસાર કરવામાં આવ્યો. આ માનનીય સજજન તરફ વધારેમાં વધારે માન સાથે એમના એ કથન સામે હું વાંધો ઉઠાવું છું કે હિંદીઓ હંમેશાં ગુલામીની દશામાં રહેતા આવ્યા છે અને તે કારણસર તેઓ સ્વરાજ ભોગવવાને નાલાયક છે. જોકે એમણે પોનાના કથનના સમર્થનમાં ઇતિહાસની મદદ લીધી છે, છતાં હું હિંમતથી એટલું કહું કે એ કથનનું ઇતિહાસ સમર્થન કરતો નથી. પ્રથમ તો હિંદનો ઇતિહાસ મહાન સિકંદરના આક્રમણની તારીખથી શરૂ નથી થતો, પણ હું એટલું કહેવાની છૂટ લઉં છું કે તે સમયનું હિંદ આજના યુરોપની સરખામણીમાં ઘણું ચડિયાતું માલૂમ પડશે. એ મારા વિધાનના સમર્થનમાં હું એમને હંટરે લખેલા इन्डियन एम्पायर પુસ્તકના પા. ૧૬૯-૭૦ ઉપર આપેલું ગ્રીકોએ કરેલું હિંદનું વર્ણન વાંચવાની સલાહ આપું છું. એનો થોડો ભાગ મારા "ખુલ્લા પત્ર"માં ઉતારવામાં આવ્યો છે. તો પછી એ તારીખ પહેલાંના સમયના હિંદનું શું માનવું? ઈતિહાસ કહે છે કે આર્યોનું ઘર હિંદ નહોતું પણ તેઓ મધ્ય એશિયામાંથી આવ્યા હતા, અને એની એક શાખા હિંદમાં આવી અને તેણે પોતાનું સ્થાન ત્યાં જમાવ્યું અને બીજી શાખાઓ યુરોપ ગઈ. ઇતિહાસ કહે છે કે એ સમયની સરકાર, એ શબ્દના સાચામાં સાચા અર્થમાં કહીએ તો સભ્ય સરકાર હતી. આખું આર્ય સાહિત્ય એ સમયે સર્જાયું હતું. સિકંદરના સમયનું હિંદ પડતીને રસ્તે વળેલું હિંદ હતું. જ્યારે બીજાં રાષ્ટ્રો હજી તો રચાયાં પણ નહોતાં ત્યારે હિંદ પ્રગતિની ટોચે પહોંચ્યું હતું. અને આ યુગના હિંદીઓ એ જાતિના વંશજો છે. એટલે એમ કહેવું કે હિંદીઓ, પહેલેથી જ ગુલામી દશામાં રહ્યા છે એ ભાગ્યે જ સાચું છે. બેશક, હિંદ અજેય સાબિત નથી થયું. જો મતાધિકાર છીનવી લેવાનું આ જ કારણ હોય તો મારે એ સિવાય કશું કહેવાનું નથી કે કમનસીબે આ બાબતમાં દરેક રાષ્ટ્ર ખામીભર્યું જ નીવડવાનું. એ વાત સાચી છે કે ઇંગ્લંડ હિંદ ઉપર એનો "રાજદંડ ચલાવે છે". હિંદીઓ એ બીનાથી શરમાતા નથી. બ્રિટિશ તાજ નીચે રહેવામાં એઓ ગૌરવ અનુભવે છે કારણ કે તેઓ માને છે કે ઇંગ્લંડ હિંદનું ઉદ્ધારક પુરવાર થવાનું છે. સૌથી તાજુબીભરી વાત તો એ દેખાય છે કે બાઈબલમાંના માનીતા રાષ્ટ્રની માફક હિંદની જનતા સદીઓના જુલમ અને ગુલામી છતાં હજી પણ અદમ્ય રહી છે. અને ઘણા બ્રિટિશ લેખકો એવું માને પણ છે કે હિંદ પોતાની સંમતિથી ઇંગ્લંડના તાબામાં રહેલું છે.

પ્રોફેસર સીલી કહે છે :

હિંદનાં રાજયો એવાં લશ્કર વડે જિતાયાં છે જેનો સરેરાશ પાંચમો હિસ્સો જ અંગ્રેજોનો બનેલો હતો. જેનાથી એની સત્તા નિર્ણયાત્મક રીતે સ્થપાઈ હતી એવી કંપનીની શરૂ શરૂની લડાઈઓમાં એટલે આરકોટના ઘેરા વખતે, પ્લાસીમાં, બકસારમાં કંપનીને પક્ષે હમેશાં યુરોપિયનો કરતાં દેશી સિપાઈઓની સંખ્યા મોટી જોવામાં આવી છે. અને એમાંથી આગળ આપણે એ વાતની નોંધ લઈએ કે દેશી સિપાઈઓ સારું નહીં લડયાની કે અંગ્રેજોએ યુદ્ધનો આખો બોજો પોતાના ઉપર ઓઢી લેવાની વાતો આપણે સાંભળી નથી; . . . . પણ, જો એક વાર એ વાત સ્વીકારી લેવામાં આવે કે સિપાઈઓની સંખ્યા અંગ્રેજો કરતાં હમેશાં મોટી રહી હતી અને સૈનિકો તરીકે તેઓ કુશળતામાં અંગ્રેજોની બરોબરીમાં રહ્યા હતા તો પછી એ આખો જ સિદ્ધાંત જમીનદોસ્ત થઈ જાય છે કે જે આપણી સફળતાને આપણામાં રહેલી શૂરવીરતાની અગાધ એવી કુદરતી સરસાઈને કારણે હોવાનું ગણાવે છે.–ડિગબીનું इन्डिया फॉर इन्डियन्स एन्ड फॉर इंग्लंड.