પૃષ્ઠ:Gandhiji No Akshar Deh Vol.1C.pdf/૬૭

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૨૨૮
ગાંધીજીનો અક્ષરદેહ


અને ન્યાય અને દયાના આ કાર્ય બદલ તમારા અરજદારો ફરજ સમજીને હંમેશ બંદગી કરતા રહેશે વગેરે વગેરે.

(સહી) અબદુલ કરીમ હાજી

 

અને બીજા ૩૯

 

[ મૂળ અંગ્રેજી ]

હસ્તલિખિત નકલની છબી પરથી



૭૧. હિંદીઓ અને પરવાના
ડરબન,

 

માર્ચ ૨, ૧૮૯૬

 

તંત્રીશ્રી,
धि नाताल मर्क्युरी

સાહેબ,

આપના ૨૯મી ફેબ્રુઆરીના અંકમાં રૉબર્ટ્સ અને રિચર્ડ્‌સ નામની બે વ્યક્તિઓ ઉપર ભામટાઓ માટેના કાનૂન નીચે ચલાવાયેલા કેસનો અધૂરો હેવાલ અને એ અંગેનો પોલીસ સુપરિન્ટન્ડેટનો અભિપ્રાય પ્રગટ થયો છે. જેમને લાયક પોલીસ સુપરિન્ટેન્ડેન્ટે “લેભાગુ” અને બીજાં બૂરાં નામો વડે નવાજ્યા છે એવા બંને પ્રતિવાદીઓ પ્રત્યે ન્યાય દર્શાવવા ખાતર અને હિંદી કોમ પ્રત્યેના ન્યાય ખાતર હું આપના પત્રમાં થોડી જગ્યા રોકવા ઇચ્છું છું.

આ હેવાલ અને અભિપ્રાય એવું દર્શાવતા લાગે છે કે જાણે મિ. વૉલરનો ચુકાદો[૧] અન્યાય ભરેલો હોય, એ મતને ઓપ આપવાને માટે, સુપરિન્ટેન્ડેન્ટે જુબાનીનો એવો ભાગ આપવાનું પસંદ કર્યું છે જેનો હું આ બે પ્રતિવાદીઓ માટે અને એથીયે વિશેષ એમના જેવી જ પરિસ્થિતિમાં મુકાયેલા લોકો માટે જનતાની સહાનુભૂતિ મેળવવાને ઉપયોગ કરવા માગતો હતો અને હજી માગું છું. નમ્રપણે મારું માનવું એવું છે કે તેમનો મામલો ઘણો વિકટ હતો, અને તેમને ગિરફતાર કરવામાં અને પછી હેરાન કરવામાં પોલીસે ભૂલ કરી હતી. મેં કોર્ટમાં કહ્યું જ હતું અને અહીં તે ફરીથી કહું છું કે જો પોલીસ હિંદીઓ તરફ થોડી ઉદારતા બતાવે અને તેમને ગિરફતાર કરવામાં વિવેક વાપરે તો ભામટા માટેનો કાનૂન જુલમી બનતો અટકી જાય. બંને ગિરમીટિયા હિંદીઓના પુત્રો છે એ હકીકત એમની વિરુદ્ધ નહીં જવી જોઈએ. ખાસ કરીને એક અંગ્રેજ સમાજમાં જયાં માણસની પરીક્ષા તેના જન્મથી નહીં પણ તેના ગુણો વડે કરવામાં આવે છે ત્યાં તો આવું બિલકુલ થવું નહીં જોઈએ, જો એવું નહીં હોય તો એક


  1. પોલીસ ન્યાયાધીશ મિ. વૈૉલરે એવાં કારણથી કેસ કાઢી નાખ્યો કે જયાં સુધી કોઈ બિનગેારી વ્યક્તિ, જે પાસ વિના રાત્રે ૯ વાગ્યા બાદ ઘર બહાર મળી આવી હોય, તે જો પોલીસને કહે કે તે પોતાને ઘરે જઈ રહી છે તો એ જવાબ તેને દોષમુક્ત ગણવાને પૂરતા છે, કારણ કે કાનૂનમાં એવું કહેવાયું છે કે માત્ર તે જ બિનગોરી વ્યક્તિને ગિરફતાર કરવામાં આવે જે પોતાના માલિકે આપેલા પરવાના વિના રાત્રે નવ વાગ્યાથી સવારે પાંચ વાગ્યાના ગાળામાં ૨ખડતી માલૂમ પડે અથવા પોતા વિષે નામઠામ વગેરે માહિતી નહીં આપી શકે.