પૃષ્ઠ:Gandhiji No Akshar Deh Vol.1C.pdf/૮૦

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૨૪૧
હિંદી મતાધિકાર

જે સૌથી નામાંકિત માણસો આવા વિષય ઉપર અધિકારપૂર્વક બોલવાની લાયકાત ધરાવે છે તેઓ આને અને મ્યુનિસિપલ પ્રતિનિધિત્વને કેવી નજરથી જુએ છે તે બતાવતો માત્ર એક જ ઉતારો હું અહીં આપીશ. સોસાયટી ઑફ આર્ટ્સ (કલામંડળ) આગળ ભાષણ કરતાં સર વિલિયમ વિલ્સન હંટરે તા. ૧૫મી ફેબ્રુઆરી ૧૮૯૩ના રોજ કહ્યું:

આપણા પ્રમુખ લૉર્ડ રિપને જે હિંદી મ્યુનિસિપાલિટીઓને આટલું યાદગાર પ્રોત્સાહન આપ્યું છે એમના વહીવટ નીચે સન ૧૮૯૧માં દોઢ કરોડ માણસોની વસ્તી હતી. અને જે ૧૦,૫૮૫ સભ્યો તેમના બોર્ડ અથવા કાઉન્સિલ ઉપર બેઠા હતા તેમાંના અડધા કરતાં વધારેને કરદાતાઓએ ચૂંટી કાઢયા હતા. ૧૮૯૨ના લૉર્ડ ક્રૉસના કાનૂન નીચે પ્રતિનિધિત્વનો સિદ્ધાંત હવે સાવચેતીપૂર્વક સર્વોચ્ચ અને પ્રાંતીય બંને વિધાનપરિષદો સુધી વિસ્તૃત કરવામાં આવી રહ્યો છે.
૧૮૫૮ના ઢંઢેરાનો થોડો ભાગ આ મુજબ છે :
અમે અમારી જાતને અમારા હિંદી પ્રદેશના રહેવાસીઓ પ્રત્યે ફરજના તેવા જ બંધનથી બંધાયેલા સમજીએ છીએ જેનાથી અમે અમારી બીજી પ્રજાઓ પ્રત્યે બંધાયેલા છીએ. . . . અને અમારી બીજી ઈચ્છા એ છે કે અમારાં પ્રજાજનો પોતાની કેળવણી, આવડત અને ઈમાનદારીથી અમારી જે નોકરીઓની ફરજ અદા કરવાને લાયક હોય તેમાં શકય હોય ત્યાં એમને જાતિ કે ધર્મના ભેદભાવ વિના છૂટથી અને નિષ્પક્ષ રીતે દાખલ કરવામાં આવે.

આ હકીકતો ધ્યાનમાં રાખીને નવા મતાધિકાર વિધેયકને તપાસીએ તો તેને સમજવાનું ઘણું મુશ્કેલ છે. સાંસ્થાનિકો સામેનો પ્રશ્ન બહુ સાદો છે. શું હિંદી કોમ પાસેથી મતાધિકાર લઈ લેવાનું જરૂરી છે? જો એ હોય તો હું કહીશ કે તેઓ હિંદુસ્તાનમાં પ્રતિનિધિત્વવાળી સંસ્થાઓ ભોગવે છે એ હકીકતની સાબિતી એને ઓછું જરૂરી નહીં બનાવશે. જો એ જરૂરી નથી તો પછી દ્વિઅર્થી કાનૂનો વડે હિંદીઓને હેરાન શા માટે કરવા? હિંદીઓ હિંદમાં પ્રતિનિધિત્વવાળી સંસ્થાઓનો લાભ ઉઠાવે છે કે નહીં એ પ્રશ્નનનો જવાબ જ જો મતાધિકારના પ્રશ્નનો નિર્ણય લાવવાનો હોય તો હું જણાવીશ કે આ વિષય અંગેની માહિતીની સામગ્રી કોઈ પણ હિસાબે એટલી કમી નથી કે સાંસ્થાનિકો એ પ્રશ્નનનો હમણાં અને સદાને માટે નિર્ણય નહીં કરી શકે, અને તે પણ એક એવા કાનૂનની જરૂર વિના કે જે કાનૂન હવે પછી આ પ્રશ્નનને કાયદાની કોર્ટ ઉપર છોડી દઈને પૈસાને નાહકને બગાડ કરાવે એમ છે.

આપનો, વગેરે


મો. ક. ગાંધી


[ મૂળ અંગ્રેજી].


धि नाताल विटनेस, ૧૭–૪–૧૮૯૬