પૃષ્ઠ:Gandhiji No Akshar Deh Vol.1C.pdf/૭૯

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૨૪૦
ગાંધીજીનો અક્ષરદેહ

વાઈસરોય હતા અને સર સી. વૂડ, જેમને પાછળથી લૉર્ડની પદવી અપાઈ હતી, તેઓ ભારતમંત્રી હતા. સર સી. વૂડે ૧૮૬૧માં એ સાલનો હિંદી વિધાનપરિષદ કાનૂન પાર્લમેન્ટમાં પસાર કરાવ્યો. . .૧૮૬૧ના કાનૂને હિંદમાં ત્રણ વિધાનપરિષદોની રચના કરી. વાઈસરૉયની સર્વોચ્ચ વિધાનપરિષદ અને મદ્રાસ અને મંબઈની પ્રાંતીય પરિષદો, વાઈસરૉયની સર્વોચ્ચ વિધાનપરિષદ માત્ર ગવર્નર જનરલ અને તેની કારોબારી કાઉન્સિલની બનેલી હોય છે તથા એમાં ઓછામાં ઓછા છ અને વધારેમાં વધારે બાર વધારાના સભ્યો લેવામાં આવે છે. એ સભ્યો ગવર્નર જનરલે નિયુક્ત કરેલા હોય છે અને એમાંના અડધોઅડધ સભ્યો બિનસરકારી હોય છે જેઓ કાં તો યુરોપિયન અથવા દેશી ગમે તે લોકોમાંથી લેવાય છે. મદ્રાસ અને મુંબઈની વિધાનપરિષદોમાં પણ ઓછામાં ઓછા ચાર અને વધારેમાં વધારે આઠ વધારાના સભ્યો હોય છે અને તેમની નિયુક્તિ પ્રાંતીય ગવર્નર કરે છે. એમાંના ઓછામાં ઓછા અડધા સભ્યો બિનસરકારી હોવા જોઈએ. એ કાનૂન પસાર થયા બાદ બંગાળ અને સરહદ પ્રાંતમાં પણ વિધાનપરિષદો રચાઈ છે. બંગાળની વિધાનપરિષદમાં લેફ્‌ટનન્ટ ગવર્નર તથા ૧૨ નિયુક્ત સભ્યો અને સરહદ પ્રાંતની પરિષદમાં લેફ્‌ટનન્ટ ગવર્નર તથા ૯ નિયુક્ત સભ્યો હોય છે. જેમાંના બંને ઠેકાણે એકતૃતીયાંશ સભ્યો બિન-સરકારી હોવા જ જોઈએ. . . . અનેક પ્રતિભાવાન, શક્તિશાળી અને લોકસેવાની ભાવનાવાળા હિંદી સજજનોને આગળ આવીને સરકારના કામકાજમાં તેમની સેવા આપવાને સમજાવવામાં આવ્યા છે અને આ વિધાનપરિષદોની ગુણવત્તાનું ધોરણ બેશક ઊંચું રહ્યું છે.

સુધારક કાનૂન વિધાનપરિષદોને બજેટ ઉપર चर्चा करवानो અને સવાલો પૂછવાનો અધિકાર આપે છે. (આ હકો અત્યાર સુધી ભોગવાતા નહોતા.) એનાથી પરિષદોના સભ્યોની સંખ્યા વધારવામાં આવી છે. અને એમાં "ચૂંટણીની એક પદ્ધતિની (મોઘમ રીતે) જોગવાઈ કરવામાં આવી છે. અલબત્ત આ સુધારક કાનૂન માત્ર છૂટ આપનારો છે, ફરજિયાત નથી.

ઉપરના કાનૂન નીચે બહાર પડેલાં નિયમનો મુજબ મુંબઈની કાઉન્સિલના વધારાના સભ્યો માટેની અઢાર બેઠકોમાંથી આઠ બેઠકો ચૂંટણીથી પૂરવામાં આવે છે અને મુંબઈનું કૉર્પોરેશન (જે ખુદ એક પ્રતિનિધિત્વવાળી સંસ્થા છે) એવાં બીજાં મ્યુનિસિપલ કોર્પોરેશનો અથવા તેનું જૂથ અથવા જૂથો, જેમને કાઉન્સિલ સાથે રહીને ગવર્નર વખતોવખત નક્કી કરે, જિલ્લા લોકલબોર્ડો અથવા ઉપર મુજબ નક્કી થયેલાં તેનાં જૂથો, દક્ષિણના સરદારો અથવા ઉપર મુજબ નક્કી થયેલો મોટા જમીનમાલિકોનો એવો જ વર્ગ, ઉપર મુજબ નક્કી થયેલા વેપારીઓ, ધંધાદારીઓ અથવા કારખાનેદારોનાં મંડળો, અને મુંબઈ યુનિવર્સિટીની સેનેટ-આટલાને બહુમતી મતોથી એ સભ્યોને ચૂંટવાનો અધિકાર છે. વિધાનપરિષદો ધરાવતા જુદા જુદા પ્રાંતોની જુદા જુદા પ્રતિનિધિત્વવાળી સંસ્થાઓ મારફતે થતી ચૂંટણી માટે અથવા તેમની ભલામણથી થતી. નિયુક્તિ માટે આવી જ જાતના નિયમો પ્રગટ કરવામાં આવ્યા છે.

મતાધિકાર બાબતમાં અથવા ચૂંટાયેલા પ્રતિનિધિઓ બાબતમાં વર્ગનો કે રંગનો કોઈ ભેદભાવ રાખવામાં આવ્યો નથી. સર્વોચ્ચ વિધાનપરિષદમાંના મુંબઈ પરિષદ તરફના (હિંદી) સભ્યો રાજીનામું આપતાં ઉમેદવારો તરીકે હિંદીઓ તથા એક યુરોપિયન ઊભા છે. એનું પરિણામ આવતા અઠવાડિયાની ટપાલમાં આવતાં જાહેર થઈ જશે.