પૃષ્ઠ:Gandhiji No Akshar Deh Vol.1C.pdf/૯૦

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૮ર. મિ. ચેમ્બરલેનને અરજી
ડરબન,


મે ૨૨, ૧૮૯૬


પરમ માનનીય જોસફ ચેમ્બરલેઈન,
સમ્રાજ્ઞીના મુખ્ય સંસ્થાન મંત્રી,
લંડન જોગ
નાતાલ સંસ્થાનમાં વસતા નીચે સહી કરનારા હિંદી બ્રિટિશ પ્રજાજનોની અરજી

નમ્રપણે જણાવવાનું જે:

અમો આપના અરજદારો મતાધિકાર કાનૂન સંશોધન વિધેયક સંબંધમાં આપ મહાનુભાવની વિચારણા માટે નીચેનું નિવેદન રજૂ કરીએ છીએ. આ વિધેયક નાતાલ સરકાર તરફથી, નાતાલ વિધાનસભામાં રજૂ કરવામાં આવ્યું છે. ૧૩મી મે, ૧૮૯૬ના રોજ કેટલાક સુધારા સાથે એ ત્રીજા વાચનમાંથી પસાર થઈ ગયું છે.

૩જી માર્ચ, ૧૮૯૬ના નાતાલ સરકારના ગૅઝેટમાં પ્રગટ થયા મુજબનો એનો મૂળ પાઠ નીચે મુજબ છે:

મતાધિકાર અંગેના કાનૂનને સુધારવા માટે:
કારણ કે મતાધિકાર સંબંધી કાનૂન સુધારવાનું જરૂરી છે,
એટલા માટે નાતાલની વિધાનપરિષદ અને વિધાનસભાની સલાહ અને સંમતિથી અને તે દ્વારા મહામહિમાવાન સમ્રાજ્ઞી નીચે મુજબનો કાનૂન બનાવે છે:
૧. ૧૮૯૪નો કાનૂન નં. ૨૫ રદ કરી દેવામાં આવશે, અને તે આથી રદ કરવામાં આવે છે.
૨. જે લોકો આ કાનૂનના વિભાગ ૩ના અમલ નીચે છે તેમને બાદ કરતાં કોઈ બીજી વ્યક્તિઓને, જે (યુરોપિયન વંશની ન હોઈને) સ્થાનિક રહેવાસી છે અથવા સ્થાનિક રહેવાસીના પુરષ શાખાની વંશજ છે, જે એવા દેશોની છે જેમાં આજ પહેલાં ચૂંટણીમૂલક પ્રતિનિધિત્વવાળી સંસ્થાઓ અસ્તિત્વમાં નથી, ત્યાં સુધી કોઈ ચૂંટનારાઓની યાદી અથવા મતદારોની યાદીમાં નામ નોંધાવવાનો, અથવા ૧૮૯૩ના બંધારણ કાનૂનની કલમ ૨૨ ના, અથવા વિધાનસભાના સભાસદોની ચૂંટણી સંબંધી કોઈ બીજા કાનૂનના અર્થમાં રહીને ચૂંટનારા તરીકે મત આપવાનો હક રહેશે નહીં જ્યાં સુધી તેઓ કાઉન્સિલ સમેત ગવર્નર પાસેથી આ કાનૂનના અમલમાંથી તેમને અપવાદરૂપ ગણવાને હુકમ પ્રથમ મેળવી નહીં લે.
૩. આ કાનૂનના વિભાગ ૨ની જોગવાઈઓ એ વિભાગમાં દર્શાવેલી એવી વ્યક્તિઓને લાગુ નહીં પડશે જેમનાં નામો આ કાનૂન અમલમાં આવવાની તારીખે જારી હોય એવી કોઈ પણ મતદાર યાદી ઉપર વાજબી રીતે ચડેલાં હોય અને જે વ્યક્તિઓ બીજી રીતે ચૂંટનારા તરીકેની યોગ્યતા અને હક ધરાવતી હોય.