પૃષ્ઠ:Ganga Ek Gurjar Varta.pdf/૧૫૨

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૩૫
નંદનભુવન !

તેમને ગંગાએ જ્યેષ્ઠને ઘણા મોહક સ્મિત હાસ્યથી બોલાવ્યા, ને તેણે ગંગાની દીકરીને - જે એવી તો દેખાવડી હતી કે કોઇનું પણ તેને લેવાને મન દોડે તેને એકદમ હાથમાં લઇને ચુંબનથી ગભરાવી નાંખી. આ નાનું બાળક એક રમકડું હતું; ને તેની કાંતિ બેશક તેના શત્રુઓને પણ પ્રીતિ ઉત્પન્ન કરે તેવી હતી. નવા ઘરમાં પ્રવેશ કરતાં ગંગાને ઘણો આનંદ ઉપજ્યો. આખા ઘરમાં ફરીને સઘળી જગ્યા જોઇને ઘણો આનંદ પામી. પોતાને મનપસંદ સઘળી વ્યવસ્થા થઇ શકશે એમ લાગવાથી તે રાજી થઇ. જે જે સ્થળે કોચ ખુરશી ટેબલ સ્ટાન્ડ ગોઠવવામાં આવ્યા હતા, તે ગંગાને નહિ પસંદ પડવાથી કેટલીક ખોડખાપણ કાઢી ત્યારે હસતાં હસતાં કિશોરે કહ્યું કે “બેશક, હવે પછી સઘળી ઘરની વ્યવસ્થા યથાયોગ્ય થશે. જ્યાં તમે પધાર્યા ત્યાં બાકી શું રહેશે ?”

કિશોરે ઘરમાં પોતાને યોગ્ય લાગે તે પ્રમાણે ચાકરનફરો રાખ્યા હતા. સઘળે ફરીને ગંગા ઘરના બીજા ભાગમાં ગઇ, ત્યાં નવા ચાકરોએ પોતાની લાયકીવાળી શેઠાણીને સારી રીતે નમન કીધું, જો કે તેથી ગંગાને કંઈ ગર્વ ચઢ્યો નહિ. રસોડું, સ્નાન કરવાની જગા, સૂવાનો ઓરડો તથા દીવાનખાનું વગેરે જોઇને તેને એમ ભાસ્યું કે આ સઘળી પોતાના વિચારને અનુકૂલ જગા છે. હિંદુ ઘરસંસારમાં ઘરની વ્યવસ્થા કરવાનું ઘણું કરીને પુરુષને માથે હોય છે. તે જેમ ઇચ્છે તેમ વ્યવસ્થા કરે, પણ સ્ત્રીઓ તો ઘરને કેમ શણગારવું તે બાબત જરા પણ સમજે જ શેની ? ઘરમાં ગમે તેવી અવ્યવસ્થા ચાલે તોએ સઘળું ઠીકાઠીક. પણ ગંગા તો પોતાની જ મરજીને અનુકૂળ સઘળું કરતી, ને તે એવી તો સરસ રીતે કરતી કે ગમે તેવા પ્રેક્ષક પણ તેમાં બનતાં સુધી ખોડખાંપણ કાઢી શકે નહિ.

સઘળે ફરી રહ્યા પછી નાની બાળકીએ તથા ગંગાએ સ્નાન કીધું, ને ભોજન કર્યા પછી કેશવલાલ ને કિશોર પોતપોતાને ધંધે ગયા. કિશોરનો વિચાર પોતાની માતુશ્રી વગેરે સઘળા કુટુંબને મુંબઇ તેડાવી