પૃષ્ઠ:Ganga Ek Gurjar Varta.pdf/૧૯

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
ગંગા-ગુર્જર વાતો

જ્યારે તે બાળક હતી ત્યારે બજારમાંથી તેને જતી જોઈ, દરેક જણ તેના સામા મિઠ્ઠી નજર નાંખતું હતું. ગાયકવાડીમાં એના બાપનો દરજ્જો ઘણો મોટો હતો. વડોદરામાં ખંડેરાવ જીવતો હતો ત્યારે તે ન્યાયાધીશનું કામ કરતો હતો. તેના આવા મોટા એાદ્ધાને લીધે તેના ઘરમાં હજારો માણસોની રોજ આવ જા થતી, પણ જેટલા લોકો એના પિતાને મળવા આતુર હોય, તે કરતાં એની કોમળ નાની બાળાનો ચહેરો જોવાને ઘણા આતુર હતા. નાની ગંગાનું કાલું કાલું બોલવું સાંભળીને તેઓ એટલા તો રંજિત થતાં કે, ઘેર ગયા પછી પણ ગંગાને વિસરી જતા ન હતા. પોતાનાં ઘરનાં છોકરાંઓને વારંવાર ગંગાની મનશક્તિ ને તનશક્તિનો, વિવેક ને ચાતુર્યનો દાખલો આપી, તેના જેવાં થવાને શિખામણ આપી ઉત્સાહ પ્રેરતા હતા.

પાંચ વર્ષની હતી ત્યારથી ગંગા એના પિતાને સેવા સામગ્રી તૈયાર કરી આપતી હતી. પિતાની કોઈ પણ આજ્ઞા બોલ્યા પહેલાં બજાવવાને તે તત્પર રહેતી. તેની આવી રીતભાતથી તેના પિતાનો તેનાપર અગાધ પ્યાર હતો. બિહારીલાલને માત્ર આ એક જ દીકરી હતી, તેટલું છતાં તેને ખોટા લાડમાં ઉછેરી ન હતી.

સાત વર્ષની થઈ કે, સાધારણ કન્યાશાળામાં ગંગાને ભણવા મૂકી. વડોદરાના રેસીડંટને ત્યાં મીસ ફાઉલર નામની એક યુરોપીયન સ્ત્રી હતી. તેને ગંગાની 'ગવર્નેસ' નીમી હતી. આ બાઇ લગભગ વીશ વર્ષ લગણ ગુજરાતમાં રહી હતી, તેથી ગુજરાતી સ્ત્રીઓની રીતભાતથી જાણીતી હોવાને લીધે, જે જે અગત્યનું શિખવવાનું હતું, તે સર્વ ગંગાને શિખવ્યું તથા યુરોપિયન વિચારમાંના કેટલાક ઉત્તમ અને લેવા જોગ છે તેની છાપ તેના મનમાં બરાબર પાડી. મીસ ફાઉલરને અંગ્રેજ સ્ત્રીઓના કેટલાક રિવાજ-લગ્ન રીતિ, પતરાજી, તુંડાઈ, વિવેક, મર્યાદા તથા પતિપત્નીપ્રત્યેના ધર્મ, તેમ જ પ્યાર સંબંધી ઘણો સારો વિચાર નહતો; પણ ઉલટું તે ગુજરાતી સ્ત્રીઓની કેટલીક રીતભાત પસંદ કરતી.