પૃષ્ઠ:Ganga Ek Gurjar Varta.pdf/૨૦૨

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૮૫
ગંગા

વશ કીધાં હતાં; તેના લાવણ્યે સૌને મોહ ઉપજાવ્યો હતો ને તેના સદ્દગુણે સર્વને આંજી નાખ્યાં હતાં. તેની ધીરજની તો એ માંદગી કસોટી હતી. આ વેળા તેનાં વહાલ-મમતાનો તો નમૂનો હતો; તેની કાળજી માટે તો કશું બોલાય તેમ જ નથી. ગંગા જ્યારે જ્યારે વેદનાથી પીડિત થઇને, તે સહન ન થવાથી અશ્રુપાત કરતી, ત્યારે ત્યારે દાસીઓ તથા ચાકરો પણ રડતાં હતાં. જો કે કોઇપણ ચાકર નફરથી પાસે આવી શકાતું નહિ, પણ ખૂણેખાંચરે આંસુ પાડતા જણાતા હતા. આટલી બધી મમતા ઘણા જ થોડા કુટુંબમાં ચાકરોને હોય છે. કદી આ અશ્રુ નાખતા ચાકરપર ગંગાની નજર પડતી તો પાસે બોલાવી ઘણી ધીરજ આપતી, ને કહેતી કે-“કેમ, હું જ એક માંદી પડી છું કે ? ગામમાં હજારો જણ માંદાં પડે છે, ને તે સારાં થાય છે. તેમાં છે શું ? ભાઇ રડ ના ! કાલે હું સારી પણ થઇશ.” એમ દિલાસો આપી તેને શોક કરતા અટકાવતી હતી. વખતે કિશેાર એકલો બેઠો હોય ને તે સજળ નેત્રનો થતો તો પછી એ ઘણી ઘાડી ધીરજ ધરીને ગમે તેવી વેદના છતાં બેઠી થઇ ધીરજ આપતી હતી. તેનાં અશ્રુને લૂછી નાખતી, ને કહેતી કે, “કદી ધારો કે ઈશ્વરેચ્છાથી મારું મોત થયું - એ સૌભાગ્ય મારા નસીબમાં કયાંથી - તો ધીરજ વગર તમારો ઇલાજ જ શો છે ? આમ પોચું ને ઢીલું હૃદય કરવામાં ઉલટી હાંસી થશે. પણ મને સંપૂર્ણ આશા છે કે, ત્રણ ચાર દિવસથી હું વધારે પીડા ભોગવવાની નથી.” આમ ધીરજ આપી સર્વ પ્રકારે તેને એવા તો શાંત પાડતી કે, કંઇપણ બોલવાનું રહેતું જ નહિ.

અને ગરીબ રામો ! તે બાર વરસ થયાં કિશેારની નોકરીમાં હતો, નિમકહલાલ નોકર ! જયારથી ગંગા માંદી પડી ત્યારથી તેણે તો અન્ન પાણી તજ્યાં હોય તેમ જ જણાતું હતું. તે શરીરથી નખાઇ ગયો. ડાક્ટરને ત્યાં પણ તે, ઔષધ તૈયાર કરવામાં પણ તે જ, બરફ કે મેવો લાવવામાં તે તૈયાર. એ ક્યારે ઉંઘતો હતો તે પણ કોઇ જાણતું