પૃષ્ઠ:Ganga Ek Gurjar Varta.pdf/૨૦૭

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૯૦
ગંગા–ગુર્જર વાર્તા


બેશક દુઃખ શોકનો સમય ક્યારે આવવાનો છે તે કોઇ જાણી શકતું નથી ! અને તેમાં કેટલોક સમય તો એવો આવી પડે છે કે જાણે તે આપણને આવી પડનારા ભયથી ચેતાવે છે. ઘણીકવાર આપણે પોતે ચેતતા નથી, પણ ઈશ્વર આપણને કંઈ ગેબી સૂચના-ભવિષ્યવાણી જણાવે છે કે “ચેતજે માનવી, તારી પાછળનું ભય અણીપર આવી પડ્યું છે.” પણ મનુષ્ય ચેતતો નથી, ગર્વમાં ઘેલો બનીને પોતાને અમરતા મળેલી માને છે. ગંગા કંઇ આવી અભિમાની નહોતી, તેની ઈશ્વરપર પૂર્ણ આસ્થા હતી, તેના હૃદયમાં સદા જ તે જગતપિતાનું સ્મરણ થયા કરતું હતું. તે છતાં પોતાના વહાલા મોગરાને ચુંથાયલો જોઇ, કંઇક નવીન જ ભય તેના મનમાં ઉપજી આવ્યા. તે ઘણી ગળગળી થઇ, ને તટસ્થ ઉભી ને ઉભી જ રહી, ને શું થશે એ ભયથી ગભરાઇ ગઇ !

તરત કિશેારલાલની તેનાપર નજર પડી, પહેલે તો પોતાની પ્રિયાની ઉભી રહેવાની લઢણ, તેની મુદ્રા, તેનો હાથ, તેનો પોશાક, તેનું ગોરાપણું, તેનું તેડાપણું, તેનું ગૌરવ ને નરમાસ, તે સધળાપર સૂર્યનાં ઝાંખાં કિરણો પડતાં હતાં તેપર એક સામટું તેનું લક્ષ ગયું, ને હોઠપર રહી ગયેલી આંગળી, ને દિગમૂઢપણું એ જાણે ઉર્વશી, પોતાના પ્રિયતમ પુરૂરવા રાજાનો વિચાર કરતી હોયની તેમ વિચારમાં આજે ગૂમ થયેલી ગંગા છે એવું બતાવતું હોય તેમ તેને ભાસ્યું. ક્ષણવાર તે ટગર ટગર જોઇ રહ્યો. ગંગા હાલતી પણ નથી ને ચાલતી પણ નથી, એ જોઇ તે વિસ્મય પામ્યો; પણ મનમાં વિચાર્યું કે તે કાંઇક મોટી ગભરામણમાં પડી છે; એટલે ઉઠીને તેની પાસે ગયો, ને પૂંઠેથી જઇને ધીમેથી ખભાપર હાથ મૂક્યો, કે ચમકતાંની સાથે ગંમાથી અકસ્માત બોલાઇ જવાયું, “હાય હાય, મારું વહાલું ફૂલ કરમાઇ ગયું.”

“એ શું પ્રિય ગંગા ? કયું તારું કુસુમ કરમાઇ ગયું ?” કિશેારલાલે મિત હસિતવદનથી પૂછ્યું.