પૃષ્ઠ:Ganga Ek Gurjar Varta.pdf/૨૬

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
જય માતા ભવાની


“ચાલો, હવે દેહરામાં જઈને દર્શન કરીએ, માતાજીને ખેાટી કરવાં એ ઠીક નહિ.”

આટલું બોલીને સૌ દેવાલયમાં આવ્યાં. સસરાના પ્રેમથી ગંગાની છાતી હર્ષથી ફૂલાઈ ગઈ અને હાથ ને ખભા ઉંચકાયા, પણ તે હર્ષથી લગાર ધ્રુજી.

મંદિરમાં શક્તિને રીઝવવાને સંગીત થતું હતું. તેમાં સૌ તુરત સામેલ થઈ ગયાં. મોહનચંદ્રની આસપાસ ભિક્ષુક બ્રાહ્મણો વીંટલાઈ વળ્યા હતા; તેમ જ ગંગા અને કમળાની આસપાસ પણ બ્રાહ્મણો ફરી વળેલા હતા. અહમદના હાથમાંથી મદનને લઈને ગંગા દેહરામાં આવી, ત્યારે મદન તો એવા ખુશખુશ થઈ ગયો કે, જ્યારે સૌ જણાં ગાયન કરતાં, ત્યારે તે હાથથી જાણે તાલ આપતો હોય તેમ, હાથ સાથ હાથને અફાળતેા હતેા.

પણ આ દેખાવ જોઈને કમળા જડ જેવી, વિભ્રાંતિ જેવી બની ગઈ. જ્યારે સૌ માતાની પૂજાની ધૂનમાં ચઢ્યાં હતાં, ત્યારે તે એકદમ વેણીગવરીની બાજુમાંથી ખસી બેભાન થઈને મૂર્છા ખાઈ ધબ દઈને ભોંયપર પડી ગઈ; પણ ઘેાંઘાટમાં કોઈએ તેના પડવાનો અવાજ સાંભળ્યો નહિ, તો પણ પડતાં પડતાં તેણીએ “જય માતા ! જય માતા !”નો પોકાર કીધો.

આ પોકાર જેવો ગંગાએ સાંભળ્યો, તેવી જ તે હાંફળી ફાંફળી થઈ ગઈ અને મદનને ભોંયપર એકદમ મૂકી દઈ કમળા ભણી દોડી.

“બહેન ! બહેન !” તેણે એકદમ કમળાને હાથમાં લઈ લીધી ને પછી બોલી. “તમને શું થયું ? અરે આ શું થયું છે તે કોઈ જુઓ, જુઓ ! ! કમળા બહેન ! ઉઠો, ઉઠો, કેમ કંઈ બોલતાં નથી ? અરે આ શું થઈ ગયું ?” નિશ્વાસ મૂકીને, જો કે ધીરી છતાં ગંગા દિલગીર થતાં આટલું બોલી શકી.

“ચૂપ ! ચૂપ ! આ શી ગડબડ !” મંદિરના પૂજારીએ બૂમ મારી ગુસ્સાથી કહ્યું: કેમકે જો કંઈ વિશેષ ગડબડ થાય અને લોકો વેરણખેરણ થઈ જાય તો તેની દક્ષણા તે ચૂકી જાય “એ શું છે ? એને કોઈ છેડે નહિ, એ સૌ પોતાની મેળે ઉઠશે.”