પૃષ્ઠ:Ganga Ek Gurjar Varta.pdf/૩૩

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૬
ગંગા–ગુર્જર વાર્તા


વાંચનારે આ પ્રકરણ શરુ કર્યા પહેલાં ત્રીજા પ્રકરણ તરફ નજર કરવી જોઈયે. મોહનચંદ્રની દીકરી કમળા મૂર્છાવસ્થામાં પડેલી છે અને તેમનું દીવાનખાનું મધરાત થઈ હતી, તથાપિ ગાજી રહ્યું હતું. મોહનચંદ્રની સ્ત્રી લલિતા આ વેળાએ પૂરતા ગુસ્સામાં ગંગાના શયનગૃહમાં જઈને ઉભી રહી હતી ને આ ગેબની ગોળી કેમ આવી, તે માટે બડબડાટ ને ફડફડાટ કરતી, જાણે કૂદતી હોય તેમ ધમપછાડા મારતી હતી. કોઈયે તેના સામું સરખુંએ જોયું નહિ ને કમળાની આસનાવાસના કરવાને કોઈ પાસે ઉભું રહ્યું નહિ. એ ધીમે ધીમે કમળાની સોડમાં જઈને બેઠી. તેના માથાપર હાથ ફેરવ્યો તો કપાળ ધીકી જતું હતું, મોંમાંથી શ્વાસ પુષ્કળ નીકળતો હતો અને છાતી અતિશય ધબકતી હતી.

જરાવાર પાસે બેસીને મોઢે માથે હાથ ફેરવ્યા પછી શેઠાણી બોલી ઉઠ્યા: “બહેન કમળી, દીકરા જરા બોલની ! તને શું થયું છે?” ઉં ઉં શિવાય બીજો કંઈ પ્રતિઉત્તર મળ્યો નહિ. બે ત્રણવાર બોલાવ્યા છતાં તે જરાપણ બોલી નહિ અને શેઠાણી પાસે બીજું કોઈ આવ્યું નહિ, તેથી ઘણા ગુસ્સામાં તે બૂમ મારી ઉઠી: “ગંગા, વેણીગવરી, અરે કોઈ મુવું છે કે નહિ ? કોઈ રાંડ જવાબ જ દેતી નથી. આ તે શો જુલમ !” તુરત ગંગા ને તેની પછાડી વેણીગવરી ધ્રુજતાં ધ્રુજતાં આવ્યા

“સાસુજી, શું કહો છો?” ગંગાએ ઘણી નમ્રતાથી પૂછયું. આનો સીધો ઉત્તર દેવાને બદલે સાસુજી તો આડાં ફાટ્યાં.

“તમારું સત્યાનાશ જાય, રાંડ વંત્રીઓ ! તમે કોઈ કંઈ કહેશો કે, આ મારી દીકરીને શું થયું છે?” સાસુજીએ એકદમ પોતાનો ગરમ સ્વભાવ બતાવતાં કહ્યું; અને જરાક વાર અબોલા લીધા પછી બોલ્યાં; “આ દીકરી નક્કી મરી જવાની, મારી સંપૂર્ણ ખાત્રી છે, એને દાનપુણ્ય કરાવવું હોય તો કરાવો. જા તારા સસરાને કહે કે કંઈ હોય તે લાવે.”

જુના ઘેલા વિચારને આધીન રહેનારી ડોસીએ ગરીબડી દીકરીને મોતને કાંઠે આવેલી ધારી. હિંદુઓના રિવાજ પ્રમાણે દાનપુણ્ય અપા-