પૃષ્ઠ:Ganga Ek Gurjar Varta.pdf/૫૦

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૩૩


પ્રકરણ ૬ ઠું
વઢકણાં સાસુજી

વાદળ હજુ ઉતરી ગયું નહોતું. લલિતા શેઠાણીનો ગુસ્સે નરમ પડ્યો નહોતો. જેમ ધુંધવાતું છાણું ભડકો થયા પહેલાં ધુમાડા કાઢીને સૌને હેરાન કરે છે, તેમ આપણી શેઠાણીનો દાયરો ચઢ્યો હતો. ગંગા, તુળજા અને વેણીગવરી બધાં ધ્રૂજ્યા કરતાં હતાં. જરા પણ ઉણું ન પડે અને અગ્નિ પાછો સળગી ઉઠે નહિ, તેની બધાં તપાસ રાખતાં હતાં.

સવારના પહેલા પહોરમાં સૌ પોતપોતાના કામમાં રોકાઈ ગયાં હતાં. આજે રવિવાર હતો, તે રીત પ્રમાણે સૌને માટે સારાં સારાં ભોજન તૈયાર હતાં. બપોરના સઘળી રસોઈ તૈયાર થઈ. સઘળા પુરુષો જમવાને બેઠા અને બાપદીકરાઓએ ઘણી મીઠાસથી જમી લીધું. જમ્યા પછી લલિતા લડકણી સાસુને બોલાવ્યાં, પણ તેઓ જમવાને આવ્યાં નહિ, થોડીકવાર સૌ થોભ્યાં કે હમણાં આવશે. લડકણી શેઠાણી પોતાની દીકરી પાસે ગયાં હતાં. ત્યાં થોડીવાર અબોલા ગ્રહણ કીધા, પણ કમળીએ બોલાવ્યાથી તેમની સાથે મીઠી મીઠી વાતે વળગ્યાં. માનો રોષ ઉતારવા માટે કમળીએ પહેલે કેટલીક ઠાવકી અને કજીયો વિસરી જવાની વાતો, કીધી, અને પછી આવા ટંટાથી ન્યાતજાતમાં અાબરુ રહેતી નથી તેમાં મન ખેંચ્યું, અને જે શેઠાણીને રુચતું નહોતું તેવું કહેવામાં આવ્યું. આપણા ઘરની વહુવારુઓ ઘણી શાણી ને ડાહીઓ છે, તેમની સાથે માન અને વિવેકથી વર્તવું જોઈયે એમ દીકરીએ માને કહ્યું. વઢકણાં બાઈને આ કંઈ રહ્યું નહિ. તેમના મોં આગળ તે પથ્થર પર પાણી જેવું થયું. શેઠાણીના મનમાં લડવાનો ઝડાકો બતાવી દેવાનું તો ઘણુંએ થયું, પણ કરે શું ? દીકરી સાથે લડવાથી કંઈ ફળ નહિ, તેથી મન મારીને બેસી રહ્યાં, પણ ઝડાકો લેવાને મન તલ્પી રહ્યું ખરું. થોડીવાર કમળાએ આડી તેડી વાતોમાં મન ગુંથ્યા પછી પૂછ્યું, “માજી ! કિશોર ભાઈને મળ્યાં? ભાઈ ઘણો સુકાઈ ગયો છે જો મા. એને અભ્યાસ

૩-૪