પૃષ્ઠ:Ganga Ek Gurjar Varta.pdf/૫૩

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૩૬
ગંગા–ગુર્જર વાર્તા

ફાટી ગઈ છે તો અગાડી જતાં માબાપનું કાળું કરાવશે; પણ કામ મારા હાથ નીચે લેવું છે. તે જરા ચસકવા દઉં કે ? આ વઝાઓ જેમ શીખવે છે તેમ માને પજવે છે; પજવ, પજવ, જેમ પજવાય તેમ પજવ; પણ અગાડી તમને સૌને બતાવું છું.”

લડકણાં બાઈ આટલું બોલી રહ્યાં કે, તુળજાગવરીએ ઓરડામાં આવીને તોફાન થતું હતું તે જોયું; આંખના અણસારામાં ગંગાએ તેને તરત સમજાવ્યું. મિનિટ બે મિનિટ થઈ કોઈ કાંઈ બોલ્યું નહિ, એટલે પછી ગુણવંતી ગંગા બેલી, “સાસુજી ચાલશો ? ઘણીવાર થઈ ને ભાણાં ઠંડાં પડી જાય છે.”

“મેં ક્યારે ના પાડી કે તું નહિ જમ ?” કડવા કટાણા મોંથી લડકણાં લલિતા સાસુજી બોલ્યાં.

“તમારા આવ્યા વિના અમારાથી કેમ જમાય ?” ગંગાએ નમ્રતાથી કહ્યું.

“તો ઓં ઓં, મારા વગર તમે જમતાં નહિ હો તો ! તમે તમારે નચિંતાઈએ જઈને જમો, હું મારું લાગ્યું ભોગવી લઈશ.”

“જેમ સાસુજીની મરજી,” તુળજાગવરીથી નહિ રહેવાયું, એટલે તે વચ્ચે બોલી. “અત્યારે સાસુજીના જીવને કંઈ સારું નહિ હશે તેથી નહિ જમતાં હશે; તેમાં ગંગા જિદ શી કરે છે ? ભૂખ લાગશે ત્યારે સૌ મેળે જમશે, તેમાં શી પોતાને હરકત છે ? ચાલો આપણે સૌ જમી લઇએ, ને એમને માટે ઢાંકી મૂકીયે.”

જ્યાં આવાં કટાક્ષનાં વેણ તુળજાએ કહ્યાં, ત્યાં હવે લલિતા લડકણી બાઈની જીભલી હાથમાં ઝાલી કેમ રહે ? વાત જ શી કરો છો ? તેઓ બળી જળી તો રહ્યાં હતાં તેમાં આ વાક્યો તો તેમને તીવ્ર બાણ જેવાં લાગ્યાં.

“હા, જા જા તારો ભસ્તો ભર ! દકાળવાની દીકરી, રાંડ ભીખારણ, તને ખાવાને મળતું નહોતું તે મકરખુધીપર આવી છે તો જા ખા, તારું પેટ ભર.” શેઠાણીએ ઝડાકો લીધો.