પૃષ્ઠ:Ganga Ek Gurjar Varta.pdf/૭૩

વિકિસ્રોતમાંથી
Jump to navigation Jump to search
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૫૬
ગંગા-ગુર્જર વાર્તા


સાસુએ તો તમારાં ઘણાં વખાણ કીધાં હતાં ! પણ મને સંપૂર્ણ ખાત્રી થાય છે કે જેવી તું ખૂબસૂરત, સારા સ્વભાવવાળી, અને માયાળુ છે તેવી કામ કરવે પણ ચપળ ને હોશિયાર તથા મમતાળી પણ છે. આજે મારા ઘરની, ત્રણ ત્રણ વહુઓ છતાં રાતના બાર વાગતે પણ જમવાનો સમય આવતે નહિ પણ આઠ વાગતાંમાં આપણે પરવારી ગયાં તે બેહેન તારે લીધે.”

ગંગાએ નમ્રપણે આ વિનય વચન માટે ઉપકાર માન્યો. “હું તારાં ખોટાં વખાણ કરતી નથી, પરંતુ હાલની વહુવારુમાં જે દુર્ગુણ આવેલા હોય છે તેથી તું દૂર છે. મેં સાંભળ્યું હતું કે તું રત્ન નીવડી છે, ને પણિયતનું ખરું સુખ ભોગવવે ભાગ્યશાળી થઈ છે, તે સદ્દગુણ તારામાં જોઈને તને મારો આશીર્વાદ છે !” નંદગવરીએ કહ્યું.

“કાકીજી, કામ કરવે મને જરા પણ શરમ નથી, ને મારા હાથ ઘસાઈ જવાના નથી. મેં શું કીધું છે? કંઈ જ નહિ. તમારી વહુવારુઓ પણ મારા જેવી જ કામગરી છે.” ગંગાએ આ બેાલવા સાથે વહુવારુએાને શરમાવી નાખી, ને તેઓ ઝટપટ પાછી કામે વળગી ગઈ.

ગંગા ને તુળજાગવરી, નંદગવરીના ચાકર સાથે પોતાને ઘેર આવ્યાં. ગંગાએ રાંધ્યું તે સાસુજીને ગમ્યું નહિ ને તેથી રોષે ભરાયાં હતાં. ઘેર આવીને તેઓ સુઈ ગયાં હતાં એટલે શાંતિ હતી. પોતાના શયનગૃહમાં ગંગા કમળી સાથે ગઈ તો ત્યાં કોઈ અજાણ્યો પરોણો બેઠો હતો. તરતનો જ તે રેલવેપરથી આવેલો હતો.
પ્રકરણ ૯ મું
અજાણ્યો પરોણો

અજાણ્યો પુરુષ કોણ છે એમ ઘરમાં ગુસપુસ વાતચીત થવા લાગી. કમળી આ અજાણ્યા પરોણા તરફ ટીકી ટીકીને જોવા મંડી ને ઘણા ઉલટપાલટના પ્રશ્નો પોતાની ભાભીને પૂછ્યા. જો કે તે ભણેલી