પૃષ્ઠ:Ganga Ek Gurjar Varta.pdf/૯૫

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૭૮
ગંગા-ગુર્જર વાર્તા

મનમાંથી વળી લગ્નનો ખ્યાલ જ કાઢી નાખવો જોઈયે, હું એક ભવમાં બે ભવ કરવાની નથી ! સાધુડી થઇશ ! જોગણ વેશે ફરીશ ! પણ મારા તરફ લોક આંગળી કરે તેમ નહિ થવા દઉં ! રે દુર્દેવ ! તેં આ ઘેલો વિચાર મારા નિર્દોષ મનમાં કેમ આવવા દીધો છે ? શિયળવ્રત ! પતિવ્રતાપણું ! બસ તેને જ વશ થઇશ. મારે સઘળી સ્ત્રી પ્રમાણે વર્તવું જોઇએ, ને મારાં માબાપના કુળને લેશ પણ હીણું લાગે તેવું આચરણ કદી પણ કરવું નહિ. જે નિર્માણકર્તાએ નક્કી કીધું છે, તેને વશ વર્તવામાં જ શોભા છે. ઘણી સ્ત્રીઓના પતિ મરણ પામે છે ને તે પોતાનું આયુષ્ય ગાળે છે કેની ? હું કેમ નહિ ગાળું ? પુનર્લગ્ન મારાથી કેમ થાય ? કરું તો મારા પિતાનું કાળું ન કહેવાય કે ? મારી મા ગમે તેવી છે તો પણ તે ઝેર પીને મરે ! છટ ! છટ ! હું એવા વિચારને કાઢી નાંખું છું, ગંગા ભાભી કહેતી હતી કે સુખ આવે ત્યારે સુખ ને દુ:ખ આવે ત્યારે દુઃખ ભોગવવું, ભાવિને વશ વર્તવામાં મઝા છે તે મારું દુ:ખ જોઈને બળે છે, પણ મારા આ વિચારને પૂરતો ટેકો આપતી નથી ! તે કેમ ટેકો આપે ? અપાય જ કેમ ? રે ઈશ્વર ! મુજ રંકના સામું જો ને મને દુષ્ટ વાસનાથી ને પાપથી અટકાવ ! રે કિયે અભાગિયે ટાંકણે મને પુનર્લગ્નનો વિચાર આવ્યો ? હું તે કરું તે પહેલાં મરણ કેમ નહિ પામું.” આમ વિચાર કરતાં વખતે ઉલટા વિચારપર પણ ઉતરી પડતી હતી. તરુણાવસ્થામાં વિકારવશ શરીરમાં અવનવા વિચારો આવે તેમાં આશ્ચર્ય નથી ! તેમાં ભલભલાં સપડાય છે તો કમળી કોણ માત્ર ? મોતીલાલના મનમાં પણ તેવા જ પ્રકારના વિચાર આવતા હતા, છતાં ગુહ્યાર્થમાં પોતપોતાની વાણીનું ચાતુર્ય દર્શાવ્યા કરતાં હતાં, તોપણ ખુલ્લા શબ્દમાં જણાય તેવી જરા પણ ભાવના દર્શાવી નહિ, તથાપિ એક પત્ર મોતીલાલે લખ્યો ને તેનો પ્રતિઉત્તર આવતાં તેણે નિયમ લીધો કે જો લગ્ન કરું તો એની જ સાથે, નહિ તો આખી જિંદગી કુંવારાપણામાં ગુજારવી. જે પુરૂષે એક વરસ૫ર