પૃષ્ઠ:Gangabai Jamnabai ni vaat.pdf/૧૭

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

કવિ - સોરઠાના હરેક પદમાં કેટલી માત્રાઓ જોઈએ ? ક્યાં તાળ જોઈએ ? અને કિયે ઠેકાણે અનુપ્રાસ જોઈએ ?

પ્રૌઢ - પહેલા અને ત્રીજા પદોમાં ૧૧, અને બીજા અને ચોથા પદોમાં તેર તેર માત્રાઓ જોઈએ. માટે ગણી વાળો એટલી માત્રાઓ છે કે નહિ ?

કવિ - અને તાળ ક્યાં છે ?

પ્રૌઢ - વળી તાળની વાત કિયા ગ્રંથમાં છે ? માત્રાઓ પૂરી હોય એટલે બસ.

હાથી - અરે એક બે માત્રા કે અક્ષર વધી જાય તો શું અને ઘટે તો શું થયું. વેદની કવિતામાં જુઓ કે કોઈ ઠેકાણે એકાદ ઓછો કે અદકો અક્ષર હોય કે છે કે નહિ. અનુષ્ટુપ છંદના માપથી એક બે અક્ષરો ઓછા હોય તો તેનું નામ નિચૃદૃઅનુષ્ટુપ. અને એક બે વધતાં અક્ષરો હોય તો ભૂરિજઅનુષ્ટુપ. એ જ રીતે વેદના હરેક છંદમાં છે. અને તેમાં તાળ અનુપ્રાસ ક્યાં છે. એ તો કાળીદાસ, અને માઘ જેવા ભટાઓએ ગુરુ લઘુના માપથી તથા યમકાનુપ્રાસ વગેરે ઘાલીને ખરાબ કર્યું. વળી તુળશીદાસ, શુરદાસ, સુંદાદાસ અને પ્રેમાનંદ ભટે તથા શામળભટે છેલા અનુપ્રાસ ઘાલીને કવિતા બગાડી નાંખી, તે હવે અમે સુધારો કરીએ છૈએ.

પ્રૌઢ - કવિતામાં ઇડયમ જોઈએ કેમકે તે કવિતાનો જીવ છે. તે તમારા સોરઠામાં નથી. અને મારા સોરઠામાં છે.

કવિ - ઇડિયમને આપણા દેશી કવિયોએ શું નામ આપેલું છે ? અને ઇડયમનું એક ઉદાહરણ બતાવો. એટલે આ વાત જેના જાણવામાં આવે, તે ધણી પોતાની મેળે પરીક્ષા કરે, કે આમાં ઇડયમ છે અને આમાં નથી.

પ્રૌઢ - આપણા દેશીઓ શું કહે છે તે; અને ઇડયમ શેને કહેવાય, તે હું જાણતો હોત તો ઉદાહરણ બતાવ્યા વિના રહેત નહિ. પણ હું તો ફક્ત એટલું જાણું છું કે ઇડિયમ કવિતાનો જીવછે. અને તે કહેવતોમાં નથી.

કવિ - ભાઈ , એમ નથી. કવિતાના જીવને આપણા કવિયો વ્યંગ અથવા ધ્વનિ કહે છે. તેના અનેક ભેદ છે, તેનાં ઘણાં ઉદાહરણો કવિતા રચવાની રીતિના ગ્રંથો રસરહસ્ય વગેરે છે, તેમાં છે, કવિતામાં ત્રણ પ્રકારના અર્થો હોય છે શબ્દાર્થ, ભાવાર્થ અને તાત્પર્ત્યાર્થ. તે ભાવાર્થ તથા તાત્પર્ત્યાર્થનું નામ વ્યંગ, અને તે જેમાં મુખ્ય હોય તેનું નામ ધ્વનિ છે, તે કવિતાનો જીવ છે. શબ્દોમાંથી જ ફક્ત જેટલો અર્થ નીકળે, તેનું નામ શબ્દાર્થ. જેમ કે ઉપલા સોરઠામાં શબ્દાર્થ એટલો છે કે, ઘડામાં જે ઘુંટાતુ હોય, તે છેક છાનું ન રહે. કેમ કે તેનાં બે બાંકાને કાંચનાં ઢાંકણાં કરેલાં છે. હવે તેનો