પૃષ્ઠ:Gangabai Jamnabai ni vaat.pdf/૧૮

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

ભાવાર્થ એ છે કે, માણસના મનની વાત, છાની ન રહે, તેની આંખોમાંથી જણાઈ આવે. અને તેનો તાત્પર્ત્યાર્થ એ છે કે, આ સભાસદોના મનની વાત, એમની આંખોમાંથી મેં સમજી લીધી છે.


બીજો દાખલો

કોઈ કહે કે "ફલાણાનું મોહો મોટું છે" તેનો ભાવાર્થ એ છે કે તે મોટી રકમો લે છે. તેમાં તાત્પર્યાર્થ એ છે કે તે બહુ લોભી છે. એ રીતે ધ્વનિ ઘણી ખરી કહેવતોમાં પણ બહુ છે. વાતચીતમાં પણ આવે છે. અને સંપલક્ષ્મીસંવાદ, રાજવિદ્યાભ્યાસ, હુનરખાનની ચઢાઈ વગેરેમાંથી ધ્વનિના દાખલા ઘણા મળી આવશે. રસધ્વનિ, ભાવધ્વનિ વગેરે તેના અનેક ભેદ છે. તે ધ્વનિ કવિતાનો જીવ છે. પણ તે ગ્રંથોમાં કહ્યું છે કે, જીવવાળી સ્ત્રીના પંડમાં પતનો રોગ હોય, તો તે કંટાળો ઉપજાવે છે. અને નજીવી કાચની પુતળી આનંદ ઉપજાવે છે. વળી વસ્ત્રાલંકાર વિનાની એટલે શબ્દાલંકાર. અર્થાલંકાર વિના નગ્ન કવિતા હોય તેના સામી દૃષ્ટિ માંડીને સમજુ માણસ જુવે નહિ.

સંસ્કૃત વ્યાકરણ વિષે જેવા મોટા મોટા ગ્રંથો છે, તેવા જ મોટા મોટા ગ્રંથો કવિતાની રીત શિખવાના છે, તે સંસ્કૃતમાં, તથા વ્રજભાષામાં છે. આનરએબલ એ.કે. ફારબસસાહેબનો વિચાર હતો, કે એવા ગ્રંથો ગુજરાતી સારી કવિતામાં કરાવવા પણ તે સાહેબનો વિચાર પાર પડ્યો નહિ.

હાથી - તાળ અને અનુપ્રાસ વેદની કવિતામાં ક્યાં છે ? કવિતામાં તો ઉંડો વિચાર જોઈએ.

કવિ - ઉંડો વિચાર શેને કહેતા હશે ?

હાથી - આ જોયો કે નહીં તારી કવિતામાં કાંઈ ઉંડો વિચાર નથી. અને આ પ્રૌઢ કવિની કવિતામાં કેવો ઉંડો વિચાર છે ?

કવિ - હવે મેહેરબાની કરીને આપ સાહેબ મને અહિંથી જવા દો.

હાથી - અરે જઈશ ક્યાં, હવે અમે તને છોડનાર નથી. ચારવાર માફ માગે તો જવા દઈએ.

કવિ - સાહેબ આપના મુખના ટુંકારા સાંભળીને ચારવાર તો શું પણ હજારવાર માફ માગું છું એમ કહીને એક કવિત બોલે છે.

મનહર છંદ.

હુંકારા ટુંકારા કરી બોલે જ્યાં નઠારા બોલ,
ભાળિ એવા ભુંડા લોક ભય પામી ભાગીએ;
દ્વેષ કે કલેશનો પ્રવેશ લેશ દેખીએ તો,
કરીને નીકાળ તતકાળ તેને ત્યાગીએ;