પૃષ્ઠ:Gangabai Jamnabai ni vaat.pdf/૨

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

વર લાયક તેને મળ્યો. તે ગંગાબાઈ પરણીને સાસરે ચાલી, ત્યાં રસ્તામાં એક ગામને પાદર બપોરા કરવા બેઠાં હતાં; એવામાં એક ભાંગીઆઓનું ટોળું પોતાના ઉચાળા સુધાં આવ્યું. ત્યારે ગંગાબાઈએ પુછ્યું કે તમે ક્યાંથી આવ્યા , અને ક્યાં જશો ? ભંગીઆએ કહ્યું કે, અમે પશ્ચિમ દેશમાંથી આવ્યાં, અને પૂર્વ ગુજરાતમાં કોઈ સારા ગામમાં જ્યાં સારા રાજાનું રાજ્ય હશે ત્યાં જઈને રહેશું.

ગંગાબાઈ – તમારે પોતાનું વતન કેમાં છોડવું પડ્યું ?

ભંગીયા – અમારા દેશમાં કોગળીઆનો ઉપદ્રવ ચાલ્યો. તેથી ત્યાંના કરભારીએ અમારા ઉપર દોષ મુક્યો કે તમે મંત્રજંત્ર કરી કોગળિયું ચલાવ્યું છે. એમ કહીને અમને ફટકા માર્યા, અને ગામમાંથી જાકારો દીધો એમ કહીને વાંસામાં ફટકાના સળ ઉઠેલા તે દેખાડયા.

ગંગાબાઈ – અરે દૈવ, સુધરેલા રાજ્યથી વિદ્યાનો ફેલાવ થયા છતાં આવા બેવકુબ કારભારીઓ દેશમાં હજી છે ખરા !! એમ કહીને એક કવિત બોલી.

મનહર છંદ.

કોગળિયું ચાલ્યું તે તો ભંગીએ ચલાવ્યું કહે,
મોટા તો મૂર્ખ કારભારિયો કુઢંગિયા;
વાંક વિના ભંગીઆને મારીને ભગાડી મુકે,
પશુ જેવા પોતે કાંતો વડા છે વિહંગિયા,[૧]
સંહરવા શત્રુ શસ્ત્ર પોતાને સજાવાં પડે,
શસ્ત્ર વિના શત્રુ મારે ભંગિયા કે ફંગિયા;
સર્વ કારભાર એનો ભંગિયાને સોંપો ભાઈ,
ભોળા કારભારિયોથી ભલા ડાહ્યા ભંગિયા. ૩

પછી તે બાઈ પોતાને સાસરે દેવનગરી શેહેરમાં ગઈ. અને સ્વામીને, સાસુને, સસરાને, તથા બીજા લોકોને શી રીતે વશ કરવા ? તે વિષેનું એક કવિનું રચેલું પુસ્તક, તેણે વાંચ્યું હતું; તેમાં લખ્યા પ્રમાણે વિનયનાં વાક્યો, મધુર ભાષણ, યોગ્ય તાબેદારી વગેરે ગુણોથી તેણે સર્વને વશ કર્યાં. કેટલાએક મહિના ગયા પછી, પેલી જમનાબાઈનાં લગ્ન પણ દેવનગરીમાં થયાં, અને તેના સાસરાનું ઘર ગંગાબાઈના મેહેલામાં હતું. તેથી જમનાબાઈ પરણીને ગયાં પછી ગંગાબાઈ સાથે તેની પ્રીતિ તાજી થઈ. બંને જણીઓ વિદ્યાની ચરચા કરીને આનંદમાં દહાડા કાઢતી હતી. એક સમે જમનાબાઈએ ગંગાબાઈને પુછ્યું કે ધણી શી રીતે વશ થાય ? ત્યારે ગંગાબાઈએ કહ્યું કે,

  1. પક્ષીઓ