પૃષ્ઠ:Gangabai Jamnabai ni vaat.pdf/૧

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

ગંગાબાઈ અને જમનાબાઈની વાત




ગંગાબાઈ અને જમનાબાઈની વાત


આ વાર્તામાં ભોળાં માણસને સારી, તથા નરસી , સોબતની અસર વેહેલી થવાનો દાખલો છે.

દોહરો
ભોળા જન વિદ્યા ભણી, વેહેમ તજી વખણાય;
વેહેમીના સહવાસથી , વળિ તે વેહેમી થાય. ૧

એક શહેરમાં ઘણી વખણાયેલી ઉત્તમ નિશાળ હતી; તેમાં દુર્ગારામ મંછારામ જેવો વૃદ્ધ મેહેતાજી સઉને સારો અભ્યાસા કરાવતો હતો. નિશાળના એક ખંડમાં છોકરા ભણવા બેસતા હતા. બીજા ખંડમાં છોડીઓ, અને ત્રીજા ખંડમાં મોટી ઉમરની બાઈઓનો વર્ગ બેસતો હતો. અને દરરોજ ચાર વાગ્યા પછી છેલીવારે ભાષણ કરીને બોધ કરતો હતો, કે જેથી સહુના મનમાંથી છુમંત્ર વગેરેના વહેમો મટી જતા હતા. અને જેમ સુતાર વાંકાચુંકા અણઘડ લાકડાંને સુધારીને સુઘડ કરે, અને રોગાનના રસથી ચળકતાં કરે, તેમાં વગર કેળવણીવાળાં માણસોનાં વાંકાં અને અણઘડ અંત:કરણોને સુઘડ કરતો હતો. તથા ચોપડીમાંહિના નવરસથી ચળકતાં કરતો હતો.

નિશાળ અથવા સુતારની શાળા વિષે
મનહર છંદ
ઘડાતાં ઘડાતાં અણઘડ જ્યાં સુઘડ થાય,
કઠણનાં કાળ જ્યાં અભેદ તે ભેદાય છે;
વાંકાં માટી શીધાં થાય, મલીનતા મટી જાય,
ચોપડીને રસે તે ચળકતાં કરાય છે;
જુદી જુદી જાત એકબીજાથી જોડાઈ જાય,
અને જુઓ ખૂબ એના અંગમાં ખીલાય છે; [૧]
રથઘડા બીજે ઠામ રહે દલપતરામ,
આતો શાળા અરથ ઘડાની ઓળખાય છે. ૨ [૨]

તે નિશાળમાં જુદા જુદા વાણીઆની બે દીકરીઓ ભણતી હતી, તેમાં એકનું નામ ગંગાબાઈ અને બીજીનું નામ જમાનાબાઈ હતું, તે જમાનાબાઈ જાતે ભોળા સ્વભાવની હતી. તે બંને જાણીઓએ સારી પઢે સરખો અભ્યાસ કર્યો, પણ ગંગાબાઈને વધારે વિદ્યાનો અનુભવ થયો. અને ઉમરા લાયક થતાં દેવનગરી નામના શેહેરનો રહેવાસી

  1. ફૂલાય છે , અથવા લોઢાના ખીલા પણ છે
  2. રથ ઘડે નહિ તે, અથવા વાક્ય નો અર્થ ઘડનારાં