પૃષ્ઠ:Gangabai Jamnabai ni vaat.pdf/૨૩

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

કવિ - એમાં કવિના મનનો ભાવ કહેવાનો એવો જણાય છે કે લંકા ઉપર રામની ફોજ આવી ત્યારે ત્યાંના લોકો હબક ખાઈ ગયા હતા માટે બોલતાં હાકાવાકા થઈ જતું હતું.

તાત્પર્યાર્થ કે રાવણના કરતાં રામનું જોર વધારે છે એવી ત્યાંના લોકોને ખાતરી હતી.

નરોત્તમ - કેમ ગૌરીબાઈ, તમારાથી આ સમશા આવી રીતે પૂરી શકાત કે ?

ગૌરીબાઈ - આ સમશા કઠણ હતી. માટે સ‌ઉ સમજી શકે એવી, આવી સફઈદાર મારાથી બનત નહીં. પણ શીખાઉ કવિની પઠે અધડુક શબ્દો તાણી મેળીને જોડી આપત. અથવા જેમ મનુષ્યને બદલે મનુ, શરદને બદલે શરૂદ એ રીતે આજ સુધીમાં કોઈ કવિએ લખેલા ન હોય, એવા શબ્દો બગાડીને કે ક્લિષ્ટાર્થ એટલે અર્થ સમજી શકાય નહીં, એવી ધુળધાણી જેવી કવિતા હું કરી શકત.

ગંગાબાઈ - હવે તમારાથી બની શકે નહિ, એવી કઠણ સમશા તમે પૂછો.

ગૌરીબાઈ - (પેલા અક્ષરો ભૂંશી નાખીને લખ્યું કે) ણણણણણણણ. લો આ સમશા પૂરી કરી આપો.

કવિ - વિચાર કરીને તે ઉપર કવિત રચી આપે છે.

મનહર છંદ ભ્રાંતિઅલંકાર.

ભૂપના ભવનમાં સુતો ગમાર ગામડીઓ,
ઘડી આળ-ઘોષ શુણી ભડકીને ભાગે છે;
બૂમ શુણી, બહુ લોકે કારણ પુછ્યું તો કહે,
છે તો ઘર ઠીક, પણ બીક બહુ લાગે છે;
નકી ભૂત થાય, મરી જાય જે નવા ઘરમાં,
આ ઘરમાં ભાઈ ભારે ભૂતાવળ જાગે છે;
રાત અરધીક જ્યારે જાય દલપતરામ,
ઘણણણ, ણણ, ણણ ઘંટડિયો વાગે છે. ૨૨

નરોત્તમ - આ કવિતાનો ભાવાર્થ, અથા તાત્પર્યાર્થ શો છે ?

કવિ - ભાવાર્થ એ છે કે, ગામડીઆ જેવા ભોળા લોકો તપાસ કર્યા વિના આવા કારણને ભૂત ઠરાવે છે, અને બીએ છે. અને તાત્પર્યાર્થ એ છે કે ભૂતની વાતો ચાલે છે તે તમામ વેહેમની છે અને જુઠી છે.

નરોત્તમ - એમાં નવ રસમાંનો કિયો રસ છે ?

કવિ - ભયાનક રસ છે.