પૃષ્ઠ:Gangabai Jamnabai ni vaat.pdf/૨૫

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

નથી. હું તો વિલાયતી લોકોના જેવી એકવચની છું, અને તમારી પ્રીતિનો રંગ કાચો હશે પણ મારા મનની પ્રીતિનો રંગ કાચો નથી.

વળી એક દુમેલાછંદ રચ્યો.
રંગતણી ચટકી ચઢિ જે દિન, જ્યાં અટકાવ કરી અટકી;
પાણિ ઉકાળિ પખાળિ જુઓ, વળિ પથ્થર સાથ જુઓ પટકી;
તોડિ વછોડિ મરોડિ જુઓ, કદિ કાતરે કાપિ કરો કટકી;
કોટિ ઉપાય કિધે દલપત, નટાળિ ટળે ચઢિ તે ચટકી. ૨૪

નરોત્તમ - કવિરાજ, તમે આ સમાની કંપનીઓ અને શેરો વિષે હવે એકાદ કવિત સંભળાવો એટલે બસ.

કવિ -

દોહરો વિષમાલંકાર.
ગયા શિકારે [૧]શેરને, શિકારના કરનાર;
ત્યાં સામો શેરે કર્યો, શિકારીનો શીકાર.

ઘનાક્ષરી છંદ રૂપકાલંકાર.
લેખણો નેં ચાકાં રૂપી શૂળ, નેં ખડગ લઈ,
ખાતાવહી ખપરમાં ખલકને ખાઈ ગઈ;
શેરની સવારી કરી ફરી સારા શેહેરોમાં,
ચાચરમાં તાળીઓ પડાવી ગીત ગાઈ ગઈ;
પ્રાણીઓનું લોહી પીવા પ્રથમ પ્રયાણ કરી,
દીવાના બનાવા મદપાન[૨] પણ પાઈ ગઈ;
કહે દલપતરામ કરવા પ્રલયકાળ;
કંપનીઓ રૂપે કાળી કાળિકા જણાઈ ગઈ. ૨૫.

એ કવિતાની ચરચા સાંભળીને નરોત્તમદાસ વગેરે બધી સભા બહુ રંજન થઈ. પછી તે શેઠે કવિને મોટો શિરપાવ આપ્યો. અને ગૌરીબાઈને પણ તેના યોગ્ય આપ્યું. અને સભા બરખાશ થઈ. નરોત્તમદાસે, તથા બીજા ગૃહસ્થોએ, તે કવિને મોટી મોટી બખશીશ આપી, ત્યારે પ્રૌઢની આંખમાં અદેખાઈ આવી. વળી રાજાએ રૂ. ૫૦૦)નું અને બીજું રૂ. ૧૦૦૦નું ઈનામ આપવાનું કહીને તે કવિ પાસે બે પુસ્તકો કરાવ્યાં, ત્યારે તો પ્રૌઢના મનમાં ઘણું ઝેર ઉપઝ્યું. તેથી તેણે બુમો પાડી કે, એ કવિ કવિતામાં કાંઈ નથી સમજતો, અને તેના કરતાં હું કવિતાના કામમાં, બહુ સમજું છું. માટે એને ઈનામ આપવાં નહીં. મને ઈનામ આપો, અને હું તે પુસ્તકો રચીશ. પણ તે બુમો પાડવાથી તેનું કાંઈ વળ્યું નહીં.

  1. વાઘને
  2. ગર્વ