પૃષ્ઠ:Gangabai Jamnabai ni vaat.pdf/૪

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

ખુરશી વિષે. મનહર છંદ.

નેતરવાળી છે પણ એ કદી અનાજમાંથી,
કાંકરા ન કાઢે કે ન ઠાઠ માઠ ઠામની;
પગસાજા સારા પણ પતિને ન પાણી પાય,
ભુજાછતાં ભોજન ન ભુંજે આપે ભામની;
પ્રજા તો પ્રસવે નહિ જેથી વંશ વૃદ્ધિ થાય,
નાજુક દેખાય નેં લેખાય નારી નામની;
નાણુ નાંખી એવી લાવી રાખી દલપતરામ,
કેવળ કજાત ઘર શોભવાના કામની. ૬

એ કવિત સાંભળીને ગંગાબાઈ તથા જમનાબાઈ તો દંગ થઈ ગયાં. અને તેઓના શરીરમાં આનંદના ઉકરાંટા આવ્યા. અને એવું મનમાં આવ્યું કે જાણે આ વખતે આના અમારા દાગીના ઉતારીને બખશીશ કરીએ તોપણ કામી જ હિસાબમાં નથી.

પછી જમનાબાઈને એવો સંશય આવ્યો કે, આ શહેરમાં કોઈ કવિ હશે તેની પાસેથી આ બાઈ આ કવિતા કરાવી લાવી હશે. તેથી કહ્યું કે આ વખતે હું કહું તે ઉપર અહીં બેશીને કવિતા રચે તો ઘણું સારૂં. જેવી બની શકે તેવી કરે તેની કોઈ ફીકર નહિ. શોઇક્ષકબાઈએ કહ્યું કે ઠીક છે એમ કરો. અને તમારી મરજીમાં આવે તે વિષે કવિતા રચાવો.

જમનાબાઈએ જાણ્યું કે નિશાળમાં જે જે ચીજો છે, તેનું વરણન કદાપિ તેના ધ્યાનમાં હોય, માટે કશી બીજી વસ્તુ વિષે કહું તો ઠીક. એવું ધારીને નિશાળની બારીએથી બહાર નજર કરી. ત્યાં કોઇને ઘેર જમણ વાર હતી માટે ત્યાં તાંબાના મોટા ચરૂમાં ભાત રંધાતો હતો. તેમાં કડછો હતો અને સળગતા ચુલા ઉપર તે ચરૂ હતો. તે જોઈને ઉપલા વર્ગની બધી છોડીઓને કહ્યું કે આ ચરૂ વિષે એક એક કવિત સઉ બનાવો. પછી તે બધી છોડીઓએ અરધા કલાકની અંદર એક એક કવિત રચ્યું. તેમાં પણ જે છોડીએ ખુરશી વિષે કવિત રચ્યું હતું તેનું જ રચેલું કવિત સઉનાથી સરસ જોવામાં આવ્યું તે નીચે લખ્યું છે.

ચરૂ વિષે. મનહર છંદ.

ગાત્ર રૂડાં રાતે રંગ, ભુંશેલી વિભૂતી અંગ.
સળગતી ધુણી સંગ તેવો તપધારી છે;
કોઈ લઈ જાય તો ત્યાં જાય, ખવરાવ્યું ખાય,
નહિ તો સદાય સ્થિર રહે નિરાહારી છે;
છુટી જીભ છે તથાપિ મુનીવ્રત રાખે મુખ,