પૃષ્ઠ:Gangabai Jamnabai ni vaat.pdf/૫

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

કુંડળ છે જોડ કાને નોળી [૧] ક્રિયાકારી છે;
એણે ઓકી કાઢેલું તે આરોગે અમીર લોક.
કહે દલપત બાવો બાળ બ્રહ્મચારી છે. ૭

એ કવિત વાંચીને જમનાબાઈની, તથા ગંગાબાઈની ખાતરી થઈ, કે ખુરશી વિષેનું કવિત પણ તેનું જ બનાવેલું ખરૂં. પછી ગંગાબાઈએ કહ્યું કે હવે બીજી રીતે અમારી ખાતરી થવી જોઈએ. શિક્ષકબાઈએ કહ્યું કે તમારી મરજીમાં આવે એવી રીતે પરીક્ષા લેઈને ખાતરી કરો. ગંગાબાઈએ કહ્યું કે એક કવિતનું ફક્ત અરધું ચરણ હું લખી આપું. તે કવિતમાં સઉથી છેલું આવવું જોઈએ. એમ કહી નીચે લખેલું અરધું ચરણ લખ્યું.

રઘુપતિ રામ નથી જો એતો હજામ છે

પછી ઉપલા વર્ગની બધી છોડીઓને એ કવિત પુરૂં કરવાનું કહ્યું. તે પણ એક કલાકની અંદર સઉએ જુદી જુદી રીતે કવિત પુરૂં કર્યું. તેમાં પણ પેલી બાઈનું રચેલું જ સઉથી સરસ થયું તે નીચે પ્રમાણે.


હજામ વિષે. મનહર છંદ.

ચાપ [૨] નથી ચીપીયો છે, નથી બાણ નરેણી છે,
ભાથો નથી ભાળ નકી કોથળી જ નામ છે;
ઉજ્વળ છે અસ્ત્રો શત્રુ કાપવાને કાજ નહિ,
શિરોરૂહ [૩] કાપવાનું સદા એનું કામ છે;
સૂરજમુખી નથી શોભિતું દેખ દર્પણ છે,
ઢળકતી ઢાલ નથી ચળકતું ચામ [૪] છે;
નથી મૃગછાળા છે રૂમાલ દલપતરામ,
રઘુપતિ રામ નથી જો એતો હજામ છે. ૮

એ કવિતથી તો તે બંને જણીઓ અત્યંત અચરજ પામીઓ. અને સો સો રુપૈયાની એક એક સોનાની કંઠી પોતાની કોટમાંથી કાઢીને બખશીશ આપી. ગંગાબાઈએ શિક્ષકબાઈને પૂછ્યું, કે આ બાઈ નું નામ શું છે?

શિક્ષક - એનું નામ ગૌરીબાઈ છે.

ગંગાબાઈ - ગૌરબાઈ, તમે કોઈ સમે મારે ઘર આવશો તો હું તમને કવિતાની સારી સારી ચોપડીઓ મારી પાસે છે તે દેખાડીશ.

ગૌવરીબાઈ - આપને કેઈ વખતે ફુરસદ હશે ? તે કહેશો તો હું આપને ઘેર આવીશ.

ગંગાબાઈ - હું તમને ચીઠી લખી જણાવીશ, તે સમે મેહેરબાની કરીને કરીને આવજો.

  1. ખાઇને ઉલટી કરી નાખે, પેટમાંહીનિ ભાગ ધોઊ નાખે તે નોળિક્રિયા
  2. ધનુષ
  3. માથાના વાળ
  4. અસ્ત્રો ઘસવાનું ચામડું