પૃષ્ઠ:Garba.pdf/૧૭

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે


કુમકુમના પગલાં પડ્યાં

કુમકુમના પગલાં પડ્યાંમાડીના હેત ઢળ્યાં
જોવા લોક ટોળે વળ્યાં રે, માડી તારા આવવાના એંધાણ થયાં

માડી તું જો પધાર, સજી સોળે શણગાર
આવી મારે રે દ્વાર, કરજે પાવન પગથાર
દીપે દરબાર, રેલે રંગની રસધાર
ગરબો ગોળ ગોળ ઘૂમતો, થાયે સાકાર
થાયે સાકાર થાયે સાકાર
ચાચરના ચોક ચગ્યાં, દીવડીયા જ્યોત ઝગ્યાં
મનડાં હારોહાર હાલ્યાં રે, માડી તારા આવવાનાં એંધાણ થયાં
કુમકુમના પગલાં પડ્યાં, માડીના હેત ઢળ્યાં
જોવા લોક ટોળે વળ્યાં રે, માડી તારા આવવાના એંધાણ થયાં

મા તું તેજનો અંબાર. મા તું ગુણનો ભંડાર
મા તું દર્શન દેશે તો, થાશે આનંદ અપાર
ભવો ભવનો આધાર, દયા દાખવી દાતાર
કૃપા કરજે અમ રંક, પર થોડી લગાર
થોડી લગાર થોડી લગાર
સૂરજના તેજ તપ્યાં, ચંદ્રકિરણ હૈયે વસ્યાં
તારલિયા ટમ ટમ્યાં રે, માડી તારા આવવાનાં એંધાણ થયાં
કુમકુમના પગલાં પડ્યાં, માડીના હેત ઢળ્યાં
કુમકુમના પગલાં પડ્યાં, માડીના હેત ઢળ્યાં
જોવા લોક ટોળે વળ્યાં રે