પૃષ્ઠ:Garba.pdf/૧૮

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે


માડી તારા આવવાના એંધાણ થયાં
તારો ડુંગરે આવાસ, બાણે બાણે તારો વાસ
તારા મંદિરિયે જોગણિયું, રમે રૂડા રાસ
પરચો દેજે હે માત, કરજે સૌને સહાય
માડી હું છું તારો દાસ, તારા ગુણનો હું દાસ
ગુણનો હું દાસ, ગુણનો હું દાસ
માડી તારા નામ ઢળ્યાં, પરચાં તારા ખલકે ચડ્યાં
દર્શનથી પાવન થયાં રે, માડી તારા આવવાના એંધાણ થયાં
કુમકુમના પગલાં પડ્યાં, માડીના હેત ઢળ્યાં
જોવા લોક ટોળે વળ્યાં રે

માડી તારા આવવાના એંધાણ થયાં
એક તારો આધાર, તારો દિવ્ય અવતાર
સહુ માનવ તણા માડી, ભવ તું સુધાર
તારા ગુણલાં અપાર, તું છો સૌનો તારણહાર
કરીશ સૌનું કલ્યાણ, માત સૌનો બેડો પાર
સૌનો બેડો પાર, સૌનો બેડો પાર
માડી તને અરજી કરું, ફુલડાં તારા ચરણે ધરું
નમી નમી પાય પડું રે, માડી તારા આવવાના એંધાણ થયાં
કુમકુમના પગલાં પડ્યાં. માડીના હેત ઢળ્યાં
જોવા લોક ટોળે વળ્યાં રે, માડી તારા આવવાના એંધાણ થયાં