પૃષ્ઠ:Ghasiram Kotarval.pdf/૧૧૦

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૯૦
ઘાશીરામ કેાટવાલ.

પહેડી દર૫હેડીએ ઔરંગજેબના વંશમાં ત્રીજી પહેડીએ મહમદશા થયા, તેના હાથમાં આવ્યો. તેની પાસેથી ઈરાનના નાદીરશાહે સને ૧૭૩૯ માં હિંદુસ્થાન તાબે કર્યું, તે વખત તેના હાથમાં ગયો. નાદીરશાહ મરી ગયા પછી તે હીરો એહેમદશાહ કાબુલીના હાથમાં આવ્યો.

ઘા૦— એ કોહિનુર હીરાનું વજન તથા કીમત કેટલી છે ?

મુ૦— તેનું વજન ૧૮૬ રતિ છે. તેને ઘસીને પહેલદાર કરેલો છે. જે વખત તે ખાણમાંથી નીકળ્યો, ને ઘસેલો નહોતો, તે વખત તેનું વજન ૯૦૦ રતિ હતું અને અજમાએશે તેનું તોલ ૧૮૬ રતિ ઠરવાથી તેની કીંમત પચાસ લાખ રૂપીઆની થઇ હતી.

ઘા૦— તે હીરો હાલ કોની પાસે છે; ને તે મુજબના બીજા મોટા હીરા છે કે નહીં ?

મુ૦— તે હીરો હાલ અફગાનીસ્થાનની રાજધાની કાબુલ શહેર છે, ત્યાંના એક સરદારની પાસે છે.[૧] હવે બીજા મોટા હીરાની વાત મારા વાંચવામાં આવી છે તે કહુંછું.

૧ ફ્રાન્સ દેશના બાદશાહનો હીરો છે, તેને પીટનો હીરો કહે છે. તેનું વજન ૧૩૬ ૩/૪ રતિ છે. તે એક તસુથી કાંઇ વધારે લાંબો પહોળો છે, ને પોણા તસુથી અધિક જાડો એટલે ઉંચો છે. તે હીરો ગેાવલકોંડામાંથી જડ્યો હતો. તે મદ્રાસના પીટ સાહેબ નામના ગવર્નર હતા, તેણે આસરે બે લાખ ચાર હજાર રૂપીઆ આપીને વેચાતો લીધો ને તે વિલાત લઈ ગયા. તેની પાસેથી તેર લાખ રૂપીએ તે હીરો ફ્રેંચના રાજાના પ્રધાને લીધો.

૨ ટસ્કની નામનો યુરોપ ખંડમાં દેશ છે, ત્યાં રાણાનું રાજ છે. તેને હીરો ૧૩૯ ૧/૨ રતિ વજનમાં છે. તેની કીમત વજન ઉપરથી આસરે પંદર લાખ છત્રીસ હજાર આઠસો વીસ રૂપીઆની છે.


  1. *કોહીનુર હીરો સને ૧૮૧૩ ઈસ્વીના વર્ષમાં કાબુલના સરદાર સાસુજાના હાથમાં આવ્યો. બાદ પોતાના હોદ્દાથી ઉતરવાને લીધે, અંગ્રેજ સરકારના મુલકમાં આશરો મેળવવા પંજાબમાં રણજીતસીંગના દેશમાં આવ્યો હતો. તે વખત એ હીરો સાસુજાની પાસે છે, એમ રણજીતસીંગને માલુમ પડવાથી તેણે તેની પાસેથી જબરદસ્તીથી લઈ લીધો. રણજીતસીંગ ગત થયા પછી તેનું રાજ અંગ્રેજ સરકારના હાથમાં આવ્યું, તે વખત તેની સાથે એ કોહીનુર હીરો પણ હાથ આવ્યો. તે હાલ આપણી મહારાણી વિકટોરીયાના જવાહેરખાનામાં છે.