પૃષ્ઠ:Gramonnati.pdf/૨૪૮

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
ગ્રામજીવન અને વ્યાયામ : ૨૩૧
 
વ્યાયામના ગ્રામ-
જીવનને લાભ

ઘણું સુધરશે, ગ્રામજીવનમાં એથી સ્ફૂર્તિ આવશે, ગ્રામપ્રજા એથી સંગઠિત થશે, સંગઠનમાંથી સમૂહબળ કેળવાશે, પરસ્પર ઉપકારક થવાની વૃત્તિ-ભ્રાતૃભાવ જાગ્રત થશે, સુખદુ:ખમાં ભેગાં થઈ જવાનું આપ્તપણું ફેલાશે; હલકાઈ, વેરઝેર, કજીયાળાપણું, મિથ્યા મમત્વ અને ઘમંડ ઘટી જઈ સાચી ખેલદીલી વિકસશે, અને ગ્રામજીવન આનંદ અને સુખને હીંચોળે હીંચશે.

ગામડે ગામડે
વ્યાયામ

ગામડે ગામડે હીંચકા બાંધવાની એક પરોપકારી સજ્જનની પ્રવૃત્તિ મેં જોઈ હતી. કોઈ એને ઘેલછા ગણતું. ગામડે ગામડે દવાખાનાં અને શાળાઓ સ્થાપનાર જેટલી સમાજસેવા કરે છે તેટલી જ સમાજસેવા ગામડે ગામડે હીંચકો બાંધનાર, રમતગમત ગોઠવનાર, વ્યાયામસાધનો વસાવનાર અને અખાડાઓ સ્થાપનાર કરે છે એમાં જરા ય સંશય નથી. કસરત, રમતગમત અને કવાયતને ગ્રામજીવનમાં ખૂબ સ્થાન છે-ગ્રામજીવનમાં તેમને ખૂબ અવકાશ છે. જે એક ગામડે બની શકે તે બીજે ગામડે પણ બની શકે. જે ગામડામાં શક્ય બને એ જ સાચું, એ જ ખરું જરૂરનું. વ્યાયામ ગ્રામજીવનને જેટલે અંશે નિરૂપયોગી નીવડે એટલે અંશે એ નિષ્ફળ છે. સાચું હિંદ, સાચું ગુજરાત ગામડાંમાં છે.

એ સાચું હિંદ – એ સાચું ગુજરાત મજબૂત, સૌન્દર્યભરી દેહદીપ્તિવાળાં, સંગઠિત, સ્ફૂર્તિમય, આનંદી, સાથે ડગભરનારાં, ખેલદીલીભર્યાં સ્ત્રીપુરુષોથી ઉભરાય એ ગ્રામોન્નતિનું એક ધ્યેય. વ્યાયામમાં એ ધ્યેય સિદ્ધ કરવાની શક્તિ છે. વ્યાયામવીરો, વ્યાયામ શૉખીનો, વ્યાયામ નિષ્ણાતો આ કાર્ય જેટલી ઝડપથી સાધે એટલી એમની સફળતા.