પૃષ્ઠ:Grihashtak Vatta Ek.pdf/૧૦૬

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૯૪
ગ્રહાષ્ટક વત્તા એક
 

પણ અહીં પુત્ર પ્રમોદકુમારને ઝટપટ પરણાવી લેવાની બાબતમાં પણ એવાં જ આંધળુકિયાં કરી રહ્યા હતા. એમની સમક્ષ હવે એક જ તરણોપાય હતો : સર ભગનનો દલ્લો હાથ કરી લેવાનો અને એ માટે એક જ ઉપાય હતો : સર ભગનની વારસદાર તિલ્લુને પ્રમાદકુમાર વેરે પરણાવી દેવાનો.

તેથી જ, પ્રકાશશેઠના આ છેલ્લા જુગારના દાવમાંથી છટકવા સર ભગને છેલ્લો ઉપાય અજમાવ્યો.

‘પણ તિલ્લુને તો પૂછવા દો.’

‘એને પૂછવાની જરૂર જ નથી.’ પહેલી જ વાર પ્રકાશશેઠના કહ્યાગરા પુત્ર પ્રમોદરાય ઓચર્યા.

‘અરે, મારી પુત્રીને પૂછ્યા વિના શું એને પરણાવી દઉં ?’

‘પણ એ મારા પ્રેમમાં છે.’

‘એટલે તો એને ખાસ પૂછવું પડે કે તું પ્રેમમાં રહેવા માગે છે કે પછી પરણી જ નાખવા માગે છે ?’

‘પણ મને તો એણે તિલ્લાણાંને તાલે પરણવાનો કોલ દઈ દીધો છે.’

‘હું ખુશીથી પરણાવી દઈશ. પણ એક વાર મારે એના વિચારો તો જાણવા જ જોઈએ ને ?’

‘ભલે જાણી લો. જાઓ.’ પ્રકાશશેઠે લશ્કરી છટાથી હુકમ કરી દીધો.

સર ભગને ઊભા થવા કર્યું ત્યારે એમણે જોયું કે બારણા નજીકથી કોઈક ઝડપભેર દોડી જતું હતું. એ પડછાયો જ એમને જોવા મળ્યો, પણ એથી તો એમને વધારે વહેમ આવ્યો. એમણે તુરત લેડી જકલને જગાડ્યાં, અને અત્યારના પહોરમાં આવી પડેલી આફત વિશે વાત કરી.

ઝડપી મસલત પછી બેઉએ નક્કી કરી નાખ્યું કે પ્રકાશશેઠના ફ્રાંસલામાં આપણે ફસાવું નહિ.