પૃષ્ઠ:Grihashtak Vatta Ek.pdf/૧૫૮

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૪૬
ગ્રહાષ્ટક વત્તા એક
 


નૃત્યનાટિકામાં કાર્તિકેયની ભૂમિકા કંદર્પકુમારને બદલે આ પૌરુષભર્યો યુવાન કરે તો ? તખતા ઉપર સુદૃઢ યુવાન સાચે જ શૌર્યમૂર્તિ તરીકે શોભી રહે.

તિલ્લુ ઇન્દ્રવિજયની ૨જૂઆતની નજરે જ ખીમચંદને અવલોકી રહી. ખીમચંદ તો મોઢે વરરાજા યોગ્ય ભાર રાખીને રાવટીમાં બેઠો હતો. પણ શિરસ્તા મુજબ જેને સમાજ તરફથી અઢી દિવસનું કાચું રાજ મળે છે એ વરરાજાથી સાવ આસન વિના તો બેસાય જ નહિ, તેથી જાનૈયાઓ એને ઉપરાઉપરી બે ટ્રંક ગોઠવીને એની ઉપર રેશમી રજાઈ નાખીને રાજ્યાસન જેવું બનાવી આપ્યું હતું. એ આસન ઉપર ખાંડાધારી ખીમચંદ વીરાસનમાં બેઠેલો કોઈ ઠાકોર જેવો શોભતો હતો. એની તાજીતાજી ઊગેલી અને જલાલપરના નાઈ પાસે કરાવેલી નવોદિત મૂછોમાં તિલ્લુને અજબ મોહિની લાગતી હતી. સર્વત્ર ‘ક્લીન-શેવ’ જ જોવાને ટેવાયેલી એની સૌંદર્યદૃષ્ટિને ખીમચંદની મૂછોના કાતરા કામણગારા લાગ્યા. નગરજીવનની બીબાંઢાળ ને ગદ્યાળી જીવનશૈલીમાં ખીમચંદના હાથમાંનું ખાંડું એને મર્દાનગીનું પ્રતીક લાગ્યું. એની અ-ભાન મોહકતા ઉપર એને ઓળઘોળ કરી જવાનું મન થયું.

ક્યાંય સુધી તિલ્લુ બાલ્કનીમાં જ ઊભી રહી. સામે રાવટીમાં કાટી-લોઢાની ટ્રંકો ઉપર રજાઈ પાથરીને બેઠેલો ખાંડાધારી યુવાન કાર્તિકેય તરીકે કેવો લાગે, એની એ કલ્પના કરી રહી.

ખીમચંદ અત્યારે પણ વરરાજાનો વેશ જ ભજવી રહ્યો હતો. તિલ્લુ એને ઇન્દ્રવિજય નાટકમાં કાર્તિકેયના વેશમાં કલ્પી રહી હતી. આ ગ્રામીણ સૌંદર્ય સ્પૉટલાઈટના અજવાળામાં કેવું શોભી ઊઠે એનો એ અંદાજ કાઢી રહી અને એ અંદાજ એને કંદર્પકુમાર કરતાં ઘણો ઊંચો લાગ્યો. ક્યાં કંદર્પનું નર્યું ખડમાંકડી જેવું હાડકાનું માળખું અને ક્યાં આ યુવાનની હૃષ્ટપુષ્ટ ભરી દેહયષ્ટિ !

ધીમે ધીમે તિલ્લુ આ યુવાનને કંદર્પ જોડે જાણે કે ત્રાજવે