પૃષ્ઠ:Grihashtak Vatta Ek.pdf/૧૮૬

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.







૨૦.
દુઃખદ આશ્ચર્ય વચ્ચે
 

સર ભગનની સ્થિતિ અત્યારે સૂડી વચ્ચે સોપારી જેવી થઈ પડી હતી.

એક તરફ ગિરજો ગોર આ યજમાન દંપતીને ચંડીયજ્ઞ માટે પૂજામાં બેસવાની તાકીદ કરી રહ્યો હતા; બીજી બાજુ વખતચંદ વેવાઈ એમનો જીવ ખાઈ રહ્યા હતાઃ ‘લાવો મારો દીકરો !’

‘ક્યાંથી લાવું ?’

‘પાતાળ ફાડીને પણ મારા છોકરાને હાજર કરો, નહિતર થાશે જોયા જેવી.’ કાઠિયાવાડી વખતચંદ વેવાઈ કરડા અવાજે ધમકી આપતા હતા.

‘અરે, પણ મારી દીકરી જેવી દીકરી ખોવાઈ ગઈ એનું તો કાંઈ કહેતા નથી, ને “મારો છોકરો, મારો છોકરો”ની જ મોંપાટ લઈ બેઠા છો.’

‘તમારી છોકરીનું તમે જાણો. હું તો મારા છોકરાની વાત કરું છું એને પાછો હાજર કરો, નીકર થાશે જોવા જેવી, હા અમે જલાલપુર–બાદલાના રહેનારા છીએ, હા, કાંઈ કાચી માયા ન સમજશો.’

‘તમે ગમે એટલી ધમકી આપશો એ નકામી છે. હું આ બાબતમાં સાવ લાચાર છું.’

‘ધમકી ન આપીએ તો શું તમને ચોખા ચડાવીએ ! અમારો રતન જેવો છોકરો આજે હાથથી ગયો એનું કાંઈ નહિ ?’

‘પણ એમાં મારો જીવ શાના ખાવા બેઠા છો ?’