પૃષ્ઠ:Grihashtak Vatta Ek.pdf/૨૦૨

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૯૦
ગ્રહાષ્ટક વત્તા એક
 


‘પણ કેવી રીતે પહોંચીએ ? મને તો અહીં રસ્તો જ સુઝતો નથી.’

‘એ તો તમને માઈનસ ટ્રવેલ્વનાં ચશ્માં છે, એટલે. ચાલો તમે મારી પાછળ પાછળ આવી પહોંચો.’ કહીને પત્નીએ પતિને હાથ ઝીલ્યો.

શહેરની શેરીઓ અને પોળોમાં અંધભિક્ષુકો ‘હરિ રામ લીલા રે ભગવાન લીલા’ ગાતાં ગાતાં ચાલે છે એ જ દેખાવ થઈ રહ્યો. લેડી જકલ મોખરે ચાલીને પતિને પોતાની પાછળ પાછળ દોરી રહ્યાં.

પણ આ હૈયેહૈયું દળાય એવી ભીડમાં બહુ ઝડપથી આગળ જઈ શકાય એમ નહોતું. ચારેય બાજુથી ધક્કા આવી રહ્યા હતા અને કુંભમેળામાં નાગા બાવાઓને નિહાળીને હાથીઓ ગાંડા થયા હોય એવી ગભરામણ ફેલાઈ ગઈ હતી. પરિણામે સબળાં લોકો નબળાં લોકોને કચડીને પણ પોતાનો જીવ બચાવવા જે નાસભાગ કરતાં હતાં તેમાં આ યજમાન દંપતી પણ ધક્કે ચડી રહ્યાં હતાં.

પણ લેડી જકલ જરાય નિરાશ ન થયાં. કાળા ડીબાણ અંધકારમાં તિલ્લુના રિહર્સલરૂમના દીવાને ધ્રુવતારક ગણીને આ માનવમહેરામણ વચ્ચેથી એમણે માર્ગ કરવા માંડ્યો. પોતે આડાંઅવળાં ધકકે ચડી જતાં હતાં, છતાં વર્ષો પહેલાં લગ્નમંડપમાં પોતે ઝાલેલો એ સર ભગનનો હાથ તેઓ છોડતાં નહોતાં.

અંધારામાં એકાએક એમને અનુભવ થયો કે અમે અત્યારે કશાક ઊંચા ચડાણ પર ચડી રહ્યાં છીએ. એમને નવાઈ લાગી. આ તો મારા બેડમિંટન અને ટૅનિસ કોર્ટની જગ્યા છે. અહીં સાવ સપાટ ને સમથળ મેદાનમાં આ ઊંચું ચડાણ ક્યાંથી આવી ગયું ? પણ એમના પગ તળે કશુંક સળવળતું જણાયું અને એ સળવળતો પદાર્થ કણસતો સંભળાય ત્યારે જ એમને સમજાયું કે આ તો ધક્કામુક્કીમાં પટકાઈ પડેલાં ને કચડાઈ ગયેલાં માણસો અહીં પડ્યાં છે, અને એમની લોથોએ જ આ સપાટ મેદાનમાં આવું