પૃષ્ઠ:Grihashtak Vatta Ek.pdf/૫૨

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૪૦
ગ્રહાષ્ટક વત્તા એક
 


તિલ્લુએ કંદર્પકુમારનો સ્વેચ્છાએ અને સ્વયંભૂ ત્યાગ કરી દીધો તેથી સર ભગન એવા તો ખુશ થયા હતા કે પુત્રી ઉપર તેઓ ઓળઘોળ કરી જવા તૈયાર હતા. અષ્ટગ્રહીમાં પોતાને કશી રજાકજા થાય તો સઘળી માલમત્તા કાયદેસર રીતે તિલ્લુને જ મળે એવી પાકી જોગવાઈ એમણે કરી નાખી હતી. અને હવે પુત્રી પ્રમોદરાય જોડે પરણવા તૈયાર થાય તો તો સર ભગનને સ્વર્ગ વેંત એક જ છેટું રહે એમ હતું. એમણે લેડી જકલ મારફત એ દાણો દાબી જોયો હતો અને જાણવા મળ્યું હતું કે કંદર્પકુમારના નાચણવેડાથી તિલ્લુ એવી તો વાજ આવી ગઈ છે કે હવે પ્રમોદરાય જોડે પરણવાની એ ના નહિ પાડે.

તેથી જ અષ્ટગ્રહીનાં ઘેરાઈ રહેલાં કાળાં વાદળોમાં સર ભગનને આ એક રૂપેરી કિનાર દેખાતી હતી. પુત્રી એક વાર પ્રમોદરાય જોડે થાળે પડી જાય તો પછી પૃથ્વીનું તો જે થવાનું હોય તે ભલે થાય. આજે સર ભગનને વ્યાપાર–ઉદ્યોગક્ષેત્રે કોઈ હરીફ હોય તો તે પ્રકાશજૂથના ઉદ્યોગો. ભગનજૂથ અને પ્રકાશજૂથ એ બળિયા જોદ્ધા જેવાં બે કુટુંબના હાથમાં દેશ આખાના અર્થતંત્રની લગામો હતી. આ બે જૂથે એકબીજાની હરીફાઈમાં શક્તિઓ વેડફી નાખવાને બદલે સાથે મળીને કામ કરે તો ? તો તો દેશની આર્થિક સૂરત જ બદલાઈ જાય ને ?

સર ભગન આજ સુધી દેશના શાહ-સોદાગર બન્યા હતા, પણ કદી શહેનશાહ નહોતા ગણાયા. દેશ ઉપર એકચક્રે આર્થિક રાજ્ય કરીને આખા અર્થતંત્રને પોતાની આણ તળે લાવવાના એમને કોડ હતા. એને નજર સામે રાખીને તો એમણે કાપડથી માંડીને કાથી સુધીના ઉદ્યોગો સર કરી લીધા હતા. કાપુસ–કરિયાણાથી માંડીને નાળિયેર–સોપારી સુધીનાં બજાર ઉપર એમનો કાબૂ હતો. એની તેજીમંદીની ઉથલપાથલમાં તેઓ ભલભલા ચમરબંધીઓને પણ ધૂળ ચાટતા કરી શકે એમ હતા. આવા શક્તિમાન ઉદ્યોગપતિને