પૃષ્ઠ:Grihashtak Vatta Ek.pdf/૯૯

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
અષ્ટગ્રહીનાં એંધાણ
૮૭
 


ઘેરાશે ત્યારે તો શું નહિ થાય એની કલ્પના જ સર ભગનને ધ્રુજાવી ૨હી.

તેથી જ, મોડી રાતે પથારીમાં પડવા છતાંય એમને ઊંધ ન આવી. વિમલ તળાવ ફાટતાં પહેલાં જ પ્રકાશશેઠને કારણે આ આર્થિક આભ ફાટી પડ્યું, એના પ્રત્યાઘાતો વિચારવામાં એમને વિચારવાયુ જેવું થઈ પડ્યું. એક દષ્ટિએ જોતાં પ્રકાશશેઠ જેવા બળિયા હરીફનો આ રીતે કાંટો નીકળી ગયો તેથી સર ભગનનો પ્રગતિમાર્ગ નિષ્કટંક થતિ હતો. પણ તિલ્લુનું સંભવિત શ્વશુરગ્રહ આર્થિક રીતે સાફ થઈ ગયું એથી માંડ કરીને થાળે પડેલી સમસ્યા ફરી સળગવા માંડતી હતી.

હવે તિલ્લુનું શું ?

લેડી જકલે દેવાળિયાના ઘરમાં મારી દીકરી નહિ આપું, એ દાખવેલો હઠાગ્રહ છેક ખોટો નહોતો, એમ સર ભગનને હવે રહીરહીને સમજાવા લાગ્યું. વાત તો સાચી. એમ કાંઈ ભૂખડીબારસ ઘરમાં આવી રતન જેવી દીકરીને ફેંકી દેવાય ? પણ તિલ્લુ પ્રમોદકુમારને નહિ તો બીજા કોને પરણશે ? પેલા નાચણિયાને ? બુચાજી બૅરિસ્ટરને ? આ તો ઊલમાંથી નીકળીને ચૂલમાં પડવા જેવું જ થાય.

અરેરે જીવ ! આના કરતાં તો ભગવાને મને દીકરી જ ન દીધી હોત તો કેવો સુખી થાત !

વહેલા પરોઢ પૂર્વે હજી તો સર ભગનના મગજમાં આવો વૈરાગ્યભાવ ઊપજી રહ્યો હતો ત્યાં જ એમના શયનગૃહને બારણે ટકોરા પડ્યા.

જેમતેમ કરીને ડ્રેસિંગ ગાઉન ચડાવીને સર ભગન બહાર નીકળ્યા ત્યાં સેવંતીલાલે સમાચાર આપ્યા :

‘પ્રકાશશેઠ અને પ્રમોદકુમાર આવ્યા છે.’

સર ભગને ઘડિયાળમાં જોયું તો ત્રણ ને વીસનો સુમાર હતો. હજી તો પરોઢ થવાને પણ સારી વાર છે, ત્યારે આ લોકો