પૃષ્ઠ:Grihashtak Vatta Ek.pdf/૯૮

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૮૬
ગ્રહાષ્ટક વત્તા એક
 


બહાર પગ ન મૂકવાની લેડી જકલે જે આણ બાંધી હતી એ ઉલ્લંઘવાની એનામાં હિંમત નહોતી.

‘સવારમાં બેત્રણ બૅંકો ઉપર ડિપોઝિટરોના દરોડા પડશે એમ કહેવાય છે. સેવંતીલાલ ટેલિફોન સંદેશાઓનું દોહને કહી સંભળાવતા હતા, ‘પ્રકાશશેઠ જેમાં ડિરેક્ટર છે એ બૅંકોને પણ મોટો ધક્કો લાગ્યો છે.’

‘માર્યા ઠાર ! હવે પેલા સમાજવાદી પાર્લામેન્ટમાં બધી જ બૅંકોનું રાષ્ટ્રીયકરણ કરાવવાનો દેકારો માંડશે. સૂકા ભેગું લીલું ય બાળી નાખવાના.’

વળી થોડી વારે સેવંતીલાલે ટેલિફાનસંદેશાઓનો સારાંશ કહી સંભળાવ્યો :

‘આજે રાત આખી લોકો ઊંઘતા નથી... સવારના પહોરમાં બૅંકો ઊઘડવાની રાહ જોઈ રહ્યા છે. અષ્ટગ્રહી કરતાંય વધારે ગભરાટ આ આર્થિક આંધીએ ફેલાવ્યો છે. કહે છે કે વિમલ તળાવ ફાટશે ત્યારે પણ આટલી આર્થિક હોનારત નહિ થાય...’

‘ત્યારે તો આ અષ્ટગ્રહીનાં જ એંધાણ. ગ્રહાષ્ટાક યોગમાં શાસ્ત્રોએ પ્રલય થવાનું ભાખ્યું છે, તે આર્થિક પ્રલય પણ હોઈ શકે.’

‘શેરોમાં બંધ બજારે પણ એવો તો કડાકો બોલી ગયો છે કે હજારો કુટુંબ પાયમાલ થઈ જશે. આ વખતનું વલણ જ ચુકવાશે નહિ.’

‘લોકો કહે છે કે વિમલ તળાવની જળરેલથી પણ આટલું નુકસાન તો ન જ થયું હોત.’

સેવંતીલાલે આપેલા આ સારાંશ સાંભળીને સર ભગન ઠંડાગાર થઈ ગયા. એમણે આરંભથી જ જ્યોતિષમાં સેવેલી અંધશ્રદ્ધા હવે વધારે ને વધારે અંધ બની રહી. ગિરજા ગોરે કરેલી આગાહીઓ અતિશયોક્તિને બદલે અલ્પોક્તિ જેવી જ જણાવા લાગી. હજી સાચો ગ્રહાષ્ટાક યોગ તો થવાનો બાકી છે; એ દિવસે જ્યારે સૂર્યગ્રહણ