પૃષ્ઠ:Gujarati Bhashana Kaviyono Itihas.pdf/૧૮

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

તેના જેવો કોઈ કવિ એ મતના સાધુઓમાં કેહેવાતા નથી. અને તે મતની સભામાં વાજાં સાથે બીજાની કવિતા પણ છે. જ્યારે પ્રેમાનંદ સ્વામીની કવિતા ગવાય ત્યારે હદ વળે છે, અને સૌને સંતોષ ઉપજે છે. કાઠિયાવાડમાં ગઢડાના મંદિરમાં તે ઘણું રહેતો હતો. એ કવિ ઘણું કરીને પહેલા વર્ગમાં ગણવા લાયક છે.

નાહાનો ભક્ત

એ કવિ અમદાવાદનો લેંઉઓ કણબી ગયા સૈકડામાં હતો એવું અહિના લોકો કેહે છે. તેની ગરબિયો તથા પદ ગણાં પ્રસિદ્ધ છે. પણ તેની વિશેષ હકિકત પણ માલમ પડતી નથી.

ઉદેરત્ન

એ કવિ ખેડાનો જૈનમત્તનો હતો, તેણે જૈનમત્તની તથા સાધારાણ બાબતોની પણ કવિતા કરેલી તે ગુજરાતીમાં તથા હિંદુસ્તાની ભાષામાં પણ છે.

તેના વિષે એક એવી વાત ચાલે છે કે, એક વાણિયાને મંદવાડ હતો તેની સ્ત્રિયે જઈને ઉદેરત્નને ઘણી આજીજી કરીને કહ્યું કે, મારા ધણીને આરામ થાય એવું ઔષધ તમે કરો તો હું તમારો ઘણો ઉપકાર માનીશ, તે કવિ વૈદક ભણેલો હતો. પછી તે સ્ત્રીના રૂપથી મોહ પામ્યો, અને તેણે એવું માંગ્યું કે હું તારા ધણીને ઔષધ કરૂં, પણ તેના બદલામાં એટલું માગું છું કે, પછી તારો ધણી ગામ જાય ત્યારે તારે એક રાત મારે ઉપાશરે રેહેવું. પેલી બાઈએ લાચારીથી દિલગીર થઈને તે વાત પોતાના સ્વામીના બચાવને વાસ્તે કબુલ કરી. પછી તે જતીએ ઔષધ કરયું. અને પેલા વાણિયાને આરામ થયો. પછી તે બાઈ પાસે તેની કબુલાત પ્રમાણે કરવાનું ઘણીવાર માંગ્યું. એક સમે પેલો વાણિયો ગામ ગયો અને તે સ્ત્રી ઉપાશરે વંદવા આવી, તે એકલી હતી ત્યારે ઉદેરત્ને કહ્યું કે, માણસને ગરજ પડે ત્યારે અને ગરજ સરે ત્યારે જુદી રીતનું મન થઈ જાય છે. પછી તે બાઈયે કબુલ કર્યું કે આજ રાતે હું આવીશ, તો પણ રાતે ઉપાશરે જઈ શકી નહિ. પછી બીજે દહાડે વળી તે બંનેને જે વાતચીત થઈ તેના દોહરા ઉદેરત્ને રચેલા છે તે નીચે પ્રમાણે.

દોહરા

પરી ગરજ મન ઓર હે, સરી ગરજ મન ઓર;
ઉદેરાજ મન મનુષ્યકો, રહે ન એકહિ ઠોર. ૧

ઉત્તર.

ઠરન ન દે મુખ કો બચન, ચલન ન દે કુલ લાજ;
દ્વાર પલંગ કે બિચ રવિ, ઉદય ભયો ઉદેરાજ. ૨