લખાણ પર જાઓ

પૃષ્ઠ:Gujarati Bhashana Kaviyono Itihas.pdf/૨

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

તેમાં એ વાત તેણે લખી છે. એ કવિને કોઈ એક રાજાએ કે ગૃહસ્થે આશ્રય આપ્યો હોય, એવું જણાતું નથી. જેથી તેની કવિતા ઊપરથી કાંઈ જણાતું નથી, કે તે વખતમાં આબરૂદાર રાજા કે ગૃહસ્થ ગુજરાતમાં કોણ હતો? જો કોઈ એકે આશ્રય આપ્યો હોત તો પ્રેમાનંદનું નામ સૈકડો વર્ષ સુધી અમર રહેશે, તે સાથે તેનું નામ પણ અમર રહેત. લોકો કહે છે કે, "ગીતડે કે ભીંતડે બે વાતે અમર રહે છે; પણ પ્રેમાનંદનાં પુસ્તકો જાણિયે કે, આજ્જ બનેલાં હોય, તેવાં જોવામાં આવે છે, અને ગામેગામ તેનો ફેલાવ થયો છે. પણ એ વખતમાં મોટી ઈમારતો બનાવેલી હશે, તેઓનાં નામ કોઈ જાણતું નથી. એક કવિ લખે છે કે..."

દોહરો

દૈવ કૃપાતેં કવિ બને, ન ભને કિય અભ્યાસ;
તાતેં કવિકું ચાહતે, બહુ નૃપ ગયે નિરાશ. ૧

અર્થ. દૈવની કૃપાથી કવિ થવાય છે, પણ ફક્ત અભ્યાસ કરવાથી થવાતું નથી. તેથી કવિની ચાહના કરતા કરતા ઘણાક રાજા નિરાશ ગયા.

એવું ભાસે છે કે, પ્રેમાનંદ હયાત હશે, ત્યારે તેની કિમત આટલી બધી કોઈયે જાણી નહિ હોય; કેમકે એ જ રીતે બીજા દેશોમાં પણ બનેલું છે. સંસ્કૃતનો જુનો કવિ જેમ વાલ્મિક, તેમ ગુજરાતીભાષાનો જુનો કવિ નરસિંહ મહેંતો. અને સંસ્કૃતનો સર્વોપરી કવિ જેમ કાળીદાસ, તેમ ગુજરાતી ભાષાનો સર્વોપરી કવિ પ્રેમાનંદ ભટ ગણાય છે. પ્રેમાનંદનો એવો અભિપ્રાય જણાય છે, કે જુના ગ્રંથમાંનો અથવા જુની ચાલતી વાતનો એક દાખલો લઈને વર્ણન કરયું; કે જેથી કે કલ્પિત વાત કેહેવાય નહિ; અને લોકોના દિલમાં અસર થાય; અને તે ખરી વાત મનાય; માટે તેણે એ રીતે કરેલું છે.

દોહરો

પ્રીછે નહિ જે પારખું, દેખે સરખું ડોળ;
જંગલિ જન જાણે નહીં, ગોળ ગળ્યો કે ખોળ.


અખો ભક્ત


પ્રેમાનંદભટ પછી કવિયોના ઉત્તમવર્ગમાં ગણવા લાયક અખો કવિ થયો. તે સંવત ૧૭૭૫માં એટલે ઈસ્વી સન ૧૭૧૮માં હયાત હતો. તે નાતે સોની, અને અમદાવાદમાં ખાડિયામાં દેસાઈની પોળમાં રહેતો હતો. પણ હાલ તેના વંશનાં કોઈ નથી એવું અમદાવાદના લોકો કહે છે. "આ વખતમાં કેટલાએક એવો વિચાર જણાવે છે કે, કવિતા બનાવનાર પોતાનું નામ કવિતામાં જોડે છે તે ઠીક નથી. પણ આ ઈતિહાસ લખતાં અમને જુના કવિયોની હકિકત જાણતાં ઘણી અડચણ પડે છે, અને એવો વિચાર આવે છે કે, જે કવિયો પોતાનું ગામ, નામ કે જાતિ વર્ષ વગેરે પોતાની કવિતામાં જોડતા ગયા