પૃષ્ઠ:Gujarati Bhashana Kaviyono Itihas.pdf/૧

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

ગુજરાતી ભાષાના કવિયોનો ઇતિહાસ

અનુક્રમણિકા


ગુજરાતી ભાષાના કવિયોનો ઇતિહાસ

નરસિંહ મેંહેતા પછી તુળસી, દેવીદાસ, વિષ્ણુદાસ, શિવાનંદ, શિવદાસ અને નાકરદાસ વગેરે ગુજરાતી ભાષાના કવિયો થયા; તેઓનાં ગામ ઠામ, હયાતીનાં વર્ષ વગેરે ગયા પુસ્તકમાં અમે જણાવેલાં છે. પણ તેઓની વિશેષ હકિકત અમારા જાણવામાં આવી નથી. તેઓએ ભાગવત, મહાભારત, રામાયણ વગેરેનાં મોટાં મોટાં પુસ્તકો રચેલાં છે, પણ તેઓની કવિતા સાધારણ ગણાય છે. તેમાં ઘણો રસ નથી. ફક્ત વ્યાસ લોકો તેઓના ગ્રંથ વાંચે છે. પણ આજ સુધી સઊથી પહેલા નંબરમાં ગણવા લાયકતો વડોદરામાં પ્રેમાનંદભર થયો. તે સંવત ૧૭૩૩માં હયાત હતો. તે ચાતુર્વેદી મોઢ બ્રાહ્મણ નાતે હતો. તે વિષ્ણુ ભક્ત હતો. કાંઈ એક વાત સાંભળે. તેનું વર્ણન ઘણી સારી યુક્તિથી તે કરતો હતો. જેમ કે કુંવરબાઈના મામેરાની વાત અસલ કોઈ પુસ્તકમાં લખેલી જણાતી નથી. પણ લોકોમાં થોડી ઘણી ચાલતી વાત સાંભળીને, પ્રેમાનંદ ભટે વિસ્તારથી વરણવી છે. તેમાં નાગરની નાતમાં સ્ત્રિયોનાં નામ કેવાં હોય છે? અને સીમંતની વખતે વેવાણ કેવી રીતે પોતાનો હક માગે છે? એ સગળા ચાલતા શિરસ્તા પ્રમાણે, એક રમુજી નાટક જેવું એ મામેરાનું પુસ્તક, તેણે કવિતામાં રચેલું છે. તેમજ ઓખાહરણની થોડીક વાત ઊપરથી ગણો વિસ્તાર કરીને, તેણે સરસ પુસ્તક બનાવેલું છે. એ કવિયે સંસ્કૃતમાંથી રસ અલંકારના ગ્રંથ જોયેલા હોય, એવું જણાય છે. કારણ કે મુગ્ધા, મધ્યા વગેરે સ્ત્રિયોના ભાવ તથા સ્વપ્નદર્શન, ચિત્રદર્શન અને ગુરૂલઘુમાન, સંયોગશ્રૃંગાર, વિયોગશ્રૃંગાર, તથા નવરસ વગેરે ઘણી સારી રીતે તેણે વરણવી દેખાડવા છે. ઓખાહરણની રસીકવાત જાણીને, તેના પછી બીજા કેટલાકએક કવિયોને એ જ વિષે કવિતા કરી. પણ પ્રેમાનંદની કવિતા જેવી કોઈથી બની શકી નથી. પ્રેમાનંદની વખત સુધી ગુજરાતીભાષામાં પિંગળના કાયદા પ્રમાણે છંદ રચવાનો ચાલ નહોતો, એવું જણાય છે. તેથી તેણે ગાવાની સેહેલી દેશિયોમાં ગ્રંથો રચેલા છે. પણ તેણે વાણીની મીઠાશની હદ વાળી છે. એવી કવિતા જોડવાની શક્તિ, પરમેશ્વરની બખશીશ આપેલી ગણાય છે; એમ આખી દુનિયાના કવિયો લખી ગયા છે. ગુજરાતીભાષા બોલનારા લાખો માણસો થઈ ગયા, અને હાલમાં પણ છે; અને કવિતાનો અભ્યાસ આખી ઉમ્મર સુધી કરનાર કેટલાએક થઈ ગયા; પણ પ્રેમાનંદને વિસારિયે, એવી કોઈની વાણી સાંભળવામાં આવી નથી. જો મેહેનત કરવાથી એવી કવિતા આવડતી હોત, તો હું પણ પ્રેમાનંદના જેવો કવિ થાત. પણ તેનો જેવો થયાની કોઈ દિવસે મારી આશા નથી; એ હું ખરાદિલથી કહું છું.

પ્રેમાનંદ કથા વાંચીને પોતાનું ગુજરાન ચલાવતો હતો. અને તે વાસ્તે દક્ષિણમાં નંદદરબાર સુધી તેને જવું પડ્યું હતું. ત્યાં રહીને પણ તેણે એક પુસ્તક રચ્યું હતું.