ગુજરાતી ભાષાના કવિયોનો ઇતિહાસ/શામળભટ

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
આ કૃતિ/પૃષ્ઠની ભૂલશુદ્ધિ પૂર્ણ થતા આ પૃષ્ઠના લેખનને સુરક્ષિત કરી દેવામાં આવ્યું છે. આ પૃષ્ઠ પર પ્રબંધક સિવાય અન્ય સભ્યો ફેરફાર કરી શકશે નહીં. જો આપ આમાં કોઈ સુધારો સૂચવવા માંગો તો ચર્ચાના પાના પર આપની ટિપ્પણી મૂકશો.
← અખો ભક્ત ગુજરાતી ભાષાના કવિયોનો ઇતિહાસ
શામળભટ
દલપતરામ
દલપત →


એ કવિ નાતે શ્રી ગોડમાળવી બ્રાહ્મણ હતો. અમદાવાદ પાસે હાલ ગોમતીપુર કહેવાય છે. ત્યાં તે વખતે વેંગણપુર કહેવાતું, ત્યાં તે કવિ રહેતો હતો. તેણે વ્રજભાષાના પિંગળ વગેરે ગ્રંથનો અભ્યાસ કરીને, તે નિયમ પ્રમાણે જ કવિતા રચી છે. તોપણ પિંગળના ઘણા છંદ ગુજરાતી લોકોમાં પ્રસિદ્ધ નહિ, તેથી દોહરા, ચોપાઈ અને છપા, એ ત્રણ જાતના છંદમાં ઘણી કવિતા રચી છે, કારણ કે છંદના તાળ ભણ્યા વિના લોકો વાંચી શકે નહિ. કોઈ ગ્રંથમાં મનહરછંદ, ઝૂલણાછંદ પણ તેણે રચેલા છે. ગાવાના રાગમાં તેણે કાંઈ કવિતા રચેલી જણાતી નથી. ગુજરાતમાં એવો ચાલ હતો અને હજી જુના લોકોમાં છે, કે જુનાગ્રંથોમાં આવેલી ન હોય, એવી કલ્પિતવાતનું કોઈ કવિ વર્ણન કરે તો, એ વાત શાસ્ત્ર બહારની છે, માટે વાંચવી નહિ, અને સાંભળવી પણ નહિ, એમ કહિને તે કવિતાની નિંદા કરતા હતા. માટે સંસ્કૃત ગ્રંથોમાં થોડીક વાત હોય, તેનો પોતાની અક્કલથી ગણો વિસ્તાર કરીને તેણે પુસ્તકો રચેલાં છે.

એ કવિનો એવો વિચાર હતો કે, મારી કવિતા વાંચીને અથવા કોઈને મોટેથી સાંભળીને, કોઈ રાજા, કે ગૃહસ્થ મને તેડાવશે, તો જ હું એની પાસે જઈશ; નહિ તો કોઈને ઘેર મારે જવું નહિ. કહે છે કે તે પોતે સંસ્કૃત ભણ્યો હતો, માટે કોઈ ગામમાં પુરાણની કથા વાંચવા ગયો, ત્યારે ત્યાં બીજા પુરાણિયે કહ્યું કે, આ ગામમાં તો કથા વાંચવાનો અમારા કુળનો જ હક છે, બીજા કોઈથી વંચાય નહિ. એ રીતે કેટલાએક ગામોમાં ફરિ આવ્યો, પણ બધે ઠેકાણેથી એ જ રીતે પાછું ફરવું પડ્યું; ત્યારે તેણે ધાર્યું કે, હું ખરો તો હવે એવું કરૂ કે, ગુજરાતીભાષામાં ઘણી રસિક વારતાઓ રચું, કે જેથી પુરાણની કથાનો કોઈ ભાવ પુછે નહિ. કારણ કે સંસ્કૃત સમજાય નહિ માટે તેની કથા સાંભળતાં ઉંઘ આવે, અને ગુજરાતી કવિતાની વારતા તુરત સમજાય, અને રસિક લાગે માટે લોકો ઘણી ખુશીથી સાંભળે.

શામળભટની ૩૦ વર્ષની ઉંમર થયા પછી તેનો ગ્રાહક મળ્યો. ખેડા જીલ્લાના માતર પ્રગણાનું સુંજ ગામ છે; ત્યાં લેઊઆ કણબીની નાતનો રખીદાસ પટેલ રહેતો હતો. તેને વિદ્યાનો શોક હતો. માટે પંડિતોની સભા મેળવતો હતો. તેનો દસોંદી ભાટ ગમાનજી હતો, તેની સોબતથી તેને કવિતાનો પણ શોક હતો.

એ રખીદાસે શામળભટની કવિતા કોઈને મોટેથી સાંભળી. પછી તેને સારા સનમાનથી તેડાવી લીધો. તેનું ગુજરાન ચાલે તેટલી પસાઈતી જમીન આપી, અને કહ્યું કે હંમેશા મારી પાસે રહીને નવી કવિતા રચી રચીને મને સંભળાવો. પછી ત્યાં રહીને તેણે જે પુસ્તકો રચ્યાં તેનાં નામ.

૩૨ બત્રીસપુતળીની ચોપડિયો.
૨૫ વૈતાળપચીશીની.
૭૨ સુડાબહોતેરની.
૧. શિવપુરાણ.
૧. રેવાખંડ.

૧. રણછોડજીનો શ્લોકો.
૧. અંગદવિષ્ટિ.
૧. પદમાવતી વગેરેની બીજી કેટલી એક વારતાઓ રચી છે.

અંગદવિષ્ટિ નાટકના આકારમાં રહેલી છે. ઊપર લખેલી વારતાઓમાં કેટલી એક પોતાની જ કલ્પેલી પણ છે.

એ કવિ શિવમારગી હતો, પણે તેનો એક વિચાર એવો હતો કે, મારી કવિતા વૈષ્ણવ, શૈવ, જૈન કે મુસલમાન વગેરે સઘળા ધર્મના લોકો વાંચે, માટે કોઈ ધર્મનો પક્ષ ખેંચ્યો નથી. કોઈ વખતે કોઈ ચાલની મશ્કરી પણ તેણે કરેલી છે.

દરએક ચોપડીમાં પોતાનું નામ લખતાં તેણે રખીદાસની બાબત પણ લખી છે અને તેનો ભોજની ઉપમા આપી છે. કારણ કે જેમ સંસ્કૃત કવિયોને ભોજે આશ્રય આપ્યો હતો તેમ ગુજરાતી ભાષાના કોઈ કવિને ગુજરાતના રાજાએ આશ્રય આપેલો નહિ. પેહેલોવેલો રખીદાસે પોતાની શક્તિ પ્રમાણે આશ્રય આપ્યો, માટે ગુજરાતનો ભોજ રખીદાસને લખ્યો છે, તે તેનું લખવું યોગ્ય છે.

વ્રજભાષાના કવિયોને પૂર્વહિંદુસ્તાનમાં હિંદુ રાજાઓએ તથા બાદશાહોએ પણ આશ્રય આપીને ગ્રંથો રચાવેલા જણાય છે, પણ રખીદાસ સિવાય ગુજરાતના કોઈ રાજાએ ગુજરાતી ભાષામાં સારા કવિ પાસે કવિતામાં મોટો સરસ ગ્રંથ રચાવેલો જણાતો નથી.

શામળભટનો દિકરો આંખે બાડો અને કુરૂપ તથા થોડી બુદ્ધિવાળો હતો. તે વિષે શામળભટનો કરેલો દોહરો છે.

દોહરો
શામળભટનો દિકરો, બાડો ને વિકરાડ;
ધાર્યુદવાડે મોકલ્યો, જઈ પહોંચ્યો ગતરાડ. ૧

એ કવિ સંવત ૧૭૮૧માં હયાત હતો, એવું તેણે રણછોડજીના શ્લોકામાં લખેલું. એણે વ્રજભાષાના ગ્રંથો ભણીને કવિતા કરી. માટે ગુજરાતી ભાષાની કવિતામાં વ્રજભાષાના શબ્દો ત્યારથી ભળવા લાગ્યા જણાય છે. જેન સંસ્કૃતમાં કોઈ કાળીદાસને અને કોઈ તો માઘ કવિને સર્વોપરી કવિ ગણે છે, તેમ ગુજરાતીમાં કોઈ પ્રેમાનંદભટને અને કોઈ તો શામળભટને સર્વોપરી કવિ ગણે છે. શામળભટનો શિષ્ય ત્રવાડીમેવાડો ઘેલોવ્યાસ અમદાવાદમાં હતો, તેની દિકરીનો દીકરો વ્યાસ ઈચ્છાશંકર હાલ છે, તેના ઘરમાં શામળભટનાં પુસ્તકો તથા શામળભટના હાથના અક્ષર પણ છે.