લખાણ પર જાઓ

પૃષ્ઠ:Gujarati Bhashana Kaviyono Itihas.pdf/૪

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

એક જુદી ચોપડી થશે તો ઘણી સારી થશે. માટે કોઈ મિત્ર એ બાબત અમને લખી જણાવશે તેનો અમે ઉપકાર માનશું. અને એમાં જે જે અમારા અભિપ્રાય હોય. તેમાં પણ ફેરફાર કરવાની ખાતરી કરી આપશો તો કરશું.

દોહરો

હઠ પકડે જે હોય શઠ, તે સમજે પણ તોય;
હોઠે કદી ન હા ભણે, હઈયામાં હા હોય. ૧

શામળભટ


એ કવિ નાતે શ્રી ગોડમાળવી બ્રાહ્મણ હતો. અમદાવાદ પાસે હાલ ગોમતીપુર કહેવાય છે. ત્યાં તે વખતે વેંગણપુર કહેવાતું, ત્યાં તે કવિ રહેતો હતો. તેણે વ્રજભાષાના પિંગળ વગેરે ગ્રંથનો અભ્યાસ કરીને, તે નિયમ પ્રમાણે જ કવિતા રચી છે. તોપણ પિંગળના ઘણા છંદ ગુજરાતી લોકોમાં પ્રસિદ્ધ નહિ, તેથી દોહરા, ચોપાઈ અને છપા, એ ત્રણ જાતના છંદમાં ઘણી કવિતા રચી છે, કારણ કે છંદના તાળ ભણ્યા વિના લોકો વાંચી શકે નહિ. કોઈ ગ્રંથમાં મનહરછંદ, ઝૂલણાછંદ પણ તેણે રચેલા છે. ગાવાના રાગમાં તેણે કાંઈ કવિતા રચેલી જણાતી નથી. ગુજરાતમાં એવો ચાલ હતો અને હજી જુના લોકોમાં છે, કે જુનાગ્રંથોમાં આવેલી ન હોય, એવી કલ્પિતવાતનું કોઈ કવિ વર્ણન કરે તો, એ વાત શાસ્ત્ર બહારની છે, માટે વાંચવી નહિ, અને સાંભળવી પણ નહિ, એમ કહિને તે કવિતાની નિંદા કરતા હતા. માટે સંસ્કૃત ગ્રંથોમાં થોડીક વાત હોય, તેનો પોતાની અક્કલથી ગણો વિસ્તાર કરીને તેણે પુસ્તકો રચેલાં છે.

એ કવિનો એવો વિચાર હતો કે, મારી કવિતા વાંચીને અથવા કોઈને મોટેથી સાંભળીને, કોઈ રાજા, કે ગૃહસ્થ મને તેડાવશે, તો જ હું એની પાસે જઈશ; નહિ તો કોઈને ઘેર મારે જવું નહિ. કહે છે કે તે પોતે સંસ્કૃત ભણ્યો હતો, માટે કોઈ ગામમાં પુરાણની કથા વાંચવા ગયો, ત્યારે ત્યાં બીજા પુરાણિયે કહ્યું કે, આ ગામમાં તો કથા વાંચવાનો અમારા કુળનો જ હક છે, બીજા કોઈથી વંચાય નહિ. એ રીતે કેટલાએક ગામોમાં ફરિ આવ્યો, પણ બધે ઠેકાણેથી એ જ રીતે પાછું ફરવું પડ્યું; ત્યારે તેણે ધાર્યું કે, હું ખરો તો હવે એવું કરૂ કે, ગુજરાતીભાષામાં ઘણી રસિક વારતાઓ રચું, કે જેથી પુરાણની કથાનો કોઈ ભાવ પુછે નહિ. કારણ કે સંસ્કૃત સમજાય નહિ માટે તેની કથા સાંભળતાં ઉંઘ આવે, અને ગુજરાતી કવિતાની વારતા તુરત સમજાય, અને રસિક લાગે માટે લોકો ઘણી ખુશીથી સાંભળે.

શામળભટની ૩૦ વર્ષની ઉંમર થયા પછી તેનો ગ્રાહક મળ્યો. ખેડા જીલ્લાના માતર પ્રગણાનું સુંજ ગામ છે; ત્યાં લેઊઆ કણબીની નાતનો રખીદાસ પટેલ રહેતો હતો. તેને વિદ્યાનો શોક હતો. માટે પંડિતોની સભા મેળવતો હતો. તેનો દસોંદી