પૃષ્ઠ:Gujarati Natyavivechan.pdf/૧૨૭

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
સ્વાતંત્ર્યોત્તર યુગનું નાટક વિશેનું વિવેચન ⬤ ૧૧૯
 

નાટકને સંપૂર્ણ નાટ્યરૂપે મૂલવવા માટે તો તેની ભજવણી જ ખરો માપદંડ હોઈ શકે. સતીશ વ્યાસ 'નૂતન નાટ્ય આલેખો' દ્વારા બહુધા પ્રયોગમાં આવી ગયેલાં કે ભજવાઈ ગયેલાં નાટકો વિશે સમીક્ષા કરે છે. જો કે તેમણે આ નાટકોને મંચસ્થ થતાં જોયાં પહેલાં આ સમીક્ષા કરી છે માટે અહીં આલેખને આધારે જ નાટકને બહાર લાવવાનો – સ્પષ્ટ કરી આપવાનો તેમણે પ્રયત્ન કર્યો છે. નવે નવ નાટકો સક્ષમ અનુભવી નાટ્યકારોએ લખેલાં છે. સતીશ વ્યાસ સમીક્ષા કરે છે ત્યારે આ સ્થાપિત સર્જકોના પ્રભાવથી પર રહીને કરે છે. આથી નાટકની મર્યાદાઓ - ખામીઓ પણ સામે લઈ આવે છે. તેમણે નાટકના વસ્તુ અને તેની રંગ સૂચનાઓ ઉપરાંત પોતાની આગવી નાટ્યસૂઝના બળે નાટકોને ભજવાતાં અનુભવ્યાં છે. 'પીળું ગુલાબ અને હું', 'નજીક', 'તિરાડ', 'જાલકા', 'જનાર્દન જોસેફ' 'કોઈ પણ એક ફૂલનું નામ બોલો તો', 'સુમનલાલ ટી. દવે', 'કુમારની અગાશી' અને 'અશ્વમેધ' આ નાટકોએ ગુજરાતી નાટકને નવી શક્યતા ચીંધી બતાવી છે. રંગભૂમિ-નાટક નૂતનતા ધારણ કરે છે. અહીં સતીશ વ્યાસ પાત્રો, વસ્તુને અંકોમાં, દૃશ્યોમાં, સંવાદોમાં વ્યક્ત કરતી સર્જકની શૈલી આદિની ચર્ચા આરંભમાં કરતા રહીને નાટકની મંચનક્ષમતા ક્યાં સિદ્ધ થાય છે તેની ચર્ચા કરે છે. 'ભજવાય તે જ નાટક' એવો સ્પષ્ટ મત ધરાવતા હોવાથી જ તેમણે આરંભમાં આ 'આલેખની સમીક્ષા છે' એવી સ્પષ્ટતા કરી છે. અહીં લાભશંકર ઠાકર, રઘુવીર ચૌધરી, મધુ રાય, શ્રીકાંત શાહ, સુભાષ શાહ, ચિનુ મોદી, હસમુખ બારાડીનાં લાંબા નાટકોની સમીક્ષા છે. આ સમીક્ષાઓ સાથે લઈ નાટકો વાંચવાથી નાટ્યાર્થને પામવો સરળ બને છે.

'આધુનિક એકાંકી'માં ૧૮ આધુનિક એકાંકીની સમીક્ષા છે. આરંભમાં જ તેમણે સ્પષ્ટતા કરી છે કે આ કૃતિલક્ષી અભ્યાસ છે. 'નૂતન નાટ્ય આલેખો'ની જેમ, જ અહીં પણ તેમણે માત્ર કૃતિને લક્ષમાં રાખી તેની ભાષાકીય સિદ્ધિ અને વિશિષ્ટ શૈલીને સંશોધવાનું કામ કર્યું છે. નાટકની પ્રતના આધારે મૂલ્યાંકન બાબતે તેમણે કહ્યું છે કે 'નાટક ભજવાય તે જ એની કસોટી છે એ હું સમજું – સ્વીકારું છું. પણ ધારો કે કોઈ વાર પ્રત સારી હોય અને રજૂઆત નબળી હોય તો શું ? એ સમયે પરફોર્મન્સને આધારે થતાં મૂલ્યાંકન કરવામાં મૂળ કૃતિને હાનિ પહોંચવાનો સંભવ રહે એટલે લિખિત પ્રતનો આધાર લેવાનો માર્ગ મને વધારે ઑબ્જેક્ટિવ લાગ્યો.૬૪ સતીશ વ્યાસ પુરી સભાનતા સાથે પ્રત્યક્ષ કૃતિલક્ષી વિવેચન કરે છે. અલબત્ત, આ કૃતિલક્ષી સમીક્ષા દ્વારા જ નાટકની મંચનક્ષમતા વિશે ચર્ચા કરી છે. નાટકમાં અભિનયનું – આંગિક અભિનયનું મહત્ત્વ છે. 'વિઝયુલાઈઝેશન' પ્રત્યક્ષીકરણ એ નાટકનું પ્રાણતત્ત્વ છે.' ૬૫એમ માને છે. નાટકમાં દૃશ્યતત્ત્વનું મહત્ત્વ