પૃષ્ઠ:Gujarati Natyavivechan.pdf/૧૫૫

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
ઉપસંહાર ⬤ ૧૪૭
 

પ્રત્યેના અભિગમને નવાં પરિમાણો બક્ષે છે. ગાંધીયુગના વિવેચકો મહદંશે નાટકને સાહિત્યના જ સિદ્ધાંતોથી તપાસે છે. સૈદ્ધાંતિક વિવેચન પણ કરે છે ને પ્રત્યક્ષ વિવેચન કૃતિલક્ષી ચર્ચા-સમીક્ષાઓ પણ કરે છે. ભજવાતાં નાટકો વિશે ઘણી સમીક્ષાઓ આ સમયમાં થાય છે. હજુય આધાર તો માત્ર 'પ્રત’નો કે 'આલેખ'નો જ છે. રામનારાયણ વિશ્વનાથ પાઠક, રામપ્રસાદ બક્ષી, ડોલરરાય માંકડ.... આદિએ પ્રત્યક્ષ અને સિદ્ધાંત વિવેચના કરી છે. નાટકના સ્વરૂપવિકાસ અંગેની ચિંતા પણ તેમની વિવેચનામાંથી પ્રગટે છે. પરંતુ નાટકની થવી જોઈએ તેવી ખરેખરી વિવેચના છે ધનસુખલાલ મહેતાની. તેમના 'નાટ્યવિવેક' પુસ્તકમાં સંગૃહીત થયેલી સમીક્ષાઓ ભજવાતાં નાટકની સમીક્ષાઓ છે. ધનસુખલાલ નાટકને કાવ્યનું – પદ્યનું સ્વરૂપ માનતા નથી. નાટકને ગદ્યનું જ સ્વરૂપ માને છે. નાટકમાં પદ્ય – ગીત – નૃત્ય ભલે આવતાં આવી શકે પણ નાટક પોતે તો ગદ્યનું જ સ્વરૂપ છે એમ માને છે. નાટક વિશેના વિવેચનમાં અત્યાર સુધી જે વિવેચન થયું તેમાં નાટકને સાહિત્ય સ્વરૂપ માનીને પછી તેની વિવેચના થતી હતી. એટલે માત્ર પ્રતને આધારે જ નાટકનું સાચું-ખોટું મૂલ્યાંકન થતું રહ્યું હતું. પણ શ્રી ધનસુખલાલ મહેતાએ નાટકને રંગભૂમિ સાથે 'સંયુક્ત' જોડાયેલું – એકરૂપ જોયું. આથી તેમની સમીક્ષા એ માત્ર પ્રતની કે માત્ર આલેખની વસ્તુના વિકાસની સમીક્ષા નથી પરંતુ નાટકનાં સર્વાંગની સમીક્ષા છે એ બહુ મહત્ત્વનું છે. તેમણે રંગભૂમિ પર ભજવાતાં નાટકોની જ નહીં પણ બેલે, ઑપેરા, પદ્યનાટિકા, એકાંકી વિશે પણ સમીક્ષા કરી છે. ધનસુખલાલ મહેતા માને છે કે નાટ્યકારે રંગભૂમિ અને તેના કલાકારો સાથે સતત સંપર્કમાં રહેવું જ રહ્યું, તો જ નાટકમાં રંગભૂમિની જરૂરિયાત પ્રમાણેનાં પાત્રો – પરિસ્થિતિ આલેખી શકાય. મૌલિક નાટકોના અભાવની ચિંતા કરતાંય વધારે ચિંતા ધનસુખલાલ મહેતાને એક જ વ્યવસાયના અનેક કલાકારો વચ્ચે સંવાદિતા નથી તેની છે. તેઓ માને છે કે રૂપાંતરો ભજવાવાં જ જોઈએ તો જ નાટ્યકારોને મૌલિક નાટકો લખવાની પ્રેરણા મળશે. ધનસુખલાલ મહેતા નાટકને તેનાં સર્વાંગથી ઓળખે છે. તેમનું વિવેચન એ માત્ર અહેવાલ નથી. પરંતુ પદ્ધતિસરની સમીક્ષા છે. નાટકમાં પ્રકાશ, સંગીત, કોશ્ચ્યુમ આદિ બાબતોની આવશ્યકતા, ઉપકારકતાની ચર્ચા તેમણે કરી છે. તેમની સમીક્ષાની ભાષા, શૈલી પણ સદ્ય પ્રત્યાયનક્ષમ છે. સામાન્ય ભાવકને પણ તેમનું વિવેચન સહજતાથી સમજાય તેવી શૈલી છે. દૃષ્ટાંત અને રૂઢિપ્રયોગોનો વિનિયોગ પણ સુંદર રીતે કરે છે. મોટે ભાગે ક્રિકેટની રમતનાં ઉદાહરણ આપીને નાટકનાં અભિનયાદિ વિશે સમીક્ષા કરે છે.

જ્યોતીન્દ્ર દવેની સમીક્ષા પણ ધ્યાનપાત્ર છે. હાસ્યનિબંધો લખનારા આ બંને હાસ્યકારો વિવેચન – ચિંતનના ક્ષેત્રમાં ગંભીર છે. નાટક વિશે, ભરત