કરે છે તે જોકે નોંધપાત્ર છે. ફિરોજશાહ મહેતા પણ તેની સાથે અભિનયની સમજ આપતો ગ્રંથ લખે છે.
ગોવર્ધનરામ ત્રિપાઠી (૧૮૫૫-૧૯૦૭)
ગોવર્ધનરામ નાટક વિશે વાત કરે છે ત્યારે પ્રત્યક્ષ વિવેચનાના રૂપે જ કરે છે. કૃતિની ચર્ચા કરતાં જ એ સિદ્ધાંતચર્ચા છેડે છે. નાટકનાં સ્વરૂપ – શક્યતાઓ અંગે અને પ્રવર્તમાન રંગભૂમિ તથા નાટકની સ્થિતિ અંગે નિરીક્ષણો આપે છે. 'આ કાળનાં આપણાં આદિનાટકો' એ લેખમાં નાટકો વિશે વિગતે લખવા ઉપરાંત નાટક અને નવલકથા, કવિતા, ઇતિહાસાદિ સંદર્ભે પોતાના વિચારો પ્રગટ કરે છે. નાટકની ન્યૂનતાનાં કારણો બતાવી નાટકના સ્વરૂપના વિકાસ માટે લેખકોને સૂચનો કરે છે. નાટકના સ્વરૂપ વિશે કહે છે: 'એકલી કથા અને કવિતા અથવા ઉભયની મેળવણી એ ત્રણમાંથી ગમે તેની રચના દ્રશ્યવસ્તુને યોગ્ય કરવામાં આવે એટલે તેને નાટક એ નામ આપવામાં આવે છે, કારણ નટરચના અથવા નાટ્ય તેનું લક્ષણ છે.'૧ એમ કહેતી વખતે સભાનપણે જ તેઓ પ્રસ્તુતિ દ્રશ્યાત્મકતાનું મહત્ત્વ સ્વીકારે છે. કથાને પણ દ્રશ્ય વસ્તુને યોગ્ય કરવામાં આવે તો તે નાટક બને છે. એ આખોય વિચાર નાટકનાં અનેક વિશિષ્ટ પરિમાણો ખોલી નવી શક્યતા તરફ આંગળી ચીંધે છે. અલબત્ત, 'નાટ્ય'નું મહત્ત્વ સ્વીકાર્યા કે જાહેર કર્યા પછીય કાવ્યના 'શ્રાવ્યકાવ્ય' 'દ્રશ્યકાવ્ય' એવા ભેદ સ્વીકારી નાટકને 'દ્રશ્યકાવ્ય' કહેવાનો મત પ્રદર્શિત કરે છે. નાટકની દ્રશ્યાત્મકતા, દ્રશ્યક્રિયા વિશે અવશ્ય ચર્ચા કરે છે.
નવલરામ કે રણછોડભાઈએ લોકરુચિ અનુસાર નહીં પણ જેમાંથી નીતિ – સંસ્કારનો બોધ થાય તેવાં નાટકોનો આગ્રહ રાખ્યો હતો. ગોવર્ધનરામ જન ભોગ્યતાને મહત્ત્વનો ગુણ ગણે છે. ગોવર્ધનરામ કહે છે કે ઉપદેશ આપવાનું કામ ગ્રંથકારોનું છે. નાટકમાં સીધો ઉપદેશ ન આવવો જોઈએ. 'વીરમતી' નાટક વિશે એ સંદર્ભે વાત કરે છે કે 'નાટકમાં જ્ઞાનના ઉઘાડા ઊભરા અસ્થાને છે અને દ્રશ્ય ક્રિયાઓમાં સવિશેષ દોષદાયી છે.'૨ આગળ કહે છે કે નાટકની ક્રિયામાં ઉપદેશ જ નહીં વર્ણનો પણ વ્યવધાન નાખતાં હોય છે. શ્રાવ્યકાવ્યમાં કદાચ 'પંડિતશ્રાવ્યકાવ્ય' વાચકો વિશે બેદરકાર હોઈ શકે પણ નાટકે તો બહુજન સમાજનું સમારાધન કરવું જ રહ્યું. પ્રેક્ષકોને લય પમાડવાની કળા અને ચાતુર્ય નાટકકારમાં હોવાં જોઈએ. જ્ઞાનભાગ જનભોગ્ય નહીં હોવાથી નાટકમાં અસ્થાને છે. એમાં કૌતુકકર્ષી દૃશ્યભાગ અને સાધક કથા હોવા જોઈએ. તેમાં કવિતા ન હોય તો ચાલે પણ જો હોય તો સર્વભોગ્ય હોવી જોઈએ.'
ગોવર્ધનરામ નાટકને અન્ય સ્વરૂપોથી વિશિષ્ટ માને છે. તેના પ્રયોગલક્ષી સ્વરૂપને ધ્યાનમાં રાખી નાટ્યકારને આ સૂચન કર્યા છે. નાટ્યકારોએ જો રંગભૂમિ