લખાણ પર જાઓ

પૃષ્ઠ:Gujarati Natyavivechan.pdf/૪૬

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૩૮ ⬤ ગુજરાતી નાટ્યવિવેચન
 


તેમણે કહ્યું છે કે સંગીત 'સેવક લેખે – શેઠ લેખે નહીં.' 'રંગભૂમિ સજાવટ' એ ચોથા અંગમાં સીનસિનરીમાં 'કલાવંત સાદાઈ'ની આવશ્યકતા જોવે છે. 'રંગમંચ – પ્રકાશનકલા' એ પાંચમાં અંગમાં રંગભૂમિને પ્રકાશિત કરવાનાં સૂચનો કર્યા છે. દરેક ભાવને પ્રગટ કરતા રંગો વિશે પણ નોંધ કરી છે. તેઓ માને છે કે 'સ્ટેજ ઉપર પ્રકાશની કે રંગની ભભક ભાગ્યે જ હોવી જોઈએ. બહુધા નરમ મીઠા રંગપ્રકાશ જ ફેંકવા ઘટે, તે સાથે સ્ટેજ પર પ્રકાશની વહેંચણી અને પ્રકાશનું પ્રસારણ પ્રમાણપૂર્ણ થવું જોઈએ. છઠું અંગ વસ્ત્રપરિધાનકલામાં નાટકીય વસ્ત્રપરિધાન અનુકૂળ, સાદું, કલામય, એક્ટરને અગવડ તથા કુરૂપતાથી બચાવનારું તથા રંગભૂમિની અન્ય બધી રચનાઓ સાથે બંધબેસતું હોવું જોઈએ તેમ કહે છે. સાતમું અંગ તેમણે મુખસજાવટમાં વિસ્તૃત રીતે મુખસજ્જાની 'મેકપ'ની ચર્ચા કરી છે. તેમાં કેવો મેકપ ન કરવો તે કેવો કરવો તેનો વિવેક સમજાવ્યો છે.

ફિરોજશાહ મહેતા તેમના આ પુસ્તકમાં માત્ર વહેવારુ શિક્ષણ જ નથી આપતા પણ સાથે તેમણે જોયેલાં નાટકોનાં ઉદાહરણ દ્વારા સમીક્ષા પણ કરે જ છે. ઘણાંબધાં નાટકોની ચર્ચા તેમણે એ સાથે કરી છે. નાટકની વ્યવહારુ તાલીમનું આ પ્રથમ જે પુસ્તક છે. અહીં તેમણે ચિત્રોનો ઉપયોગ કરીને કસરતો આદિનું માર્ગદર્શન કર્યું છે. 'અભિનયકલાથી શાસ્ત્રીય વિચારણા કરતા ને. ભો. દિવેટિયા અને ઍક્ટિંગનું વહેવારુ શિક્ષણથી ફિરોજશાહ મહેતા નાટ્યની વિશિષ્ટ રીતે ચર્ચા છેડે છે. ફિરોજશાહ મહેતાનું આ પુસ્તક નાટકીય રીતે રંગભૂમિના અભ્યાસીઓને ઘણું કામનું અને અગત્યનું માર્ગદર્શન પૂરું પાડે છે.

રમણલાલ કે. યાજ્ઞિક (૧૮૯૫-૧૯૬૦)

કેળવણીકાર તરીકે શિક્ષણક્ષેત્રમાં પ્રતિષ્ઠિત થયા છે. તેમણે લંડન યુનિવર્સિટીમાં 'ભારતીય રંગભૂમિ' ઉપર સંશોધન કરી પીએચ.ડી.ની ઉપાધિ મેળવી હતી. નાટક-નાટ્ય વિશેના એ પહેલા સંશોધક છે. આ ઉપરાંત છુટા છવાયા નાટક અને રંગભૂમિ વિશેના અભ્યાસપૂર્ણ લેખોમાં તેમનો નાટ્યવિચાર વ્યક્ત થયો છે. રમણલાલ યાજ્ઞિક નાટક સાથે રસપૂર્વક જોડાયેલા રહ્યા છે. નાટક વિશે જે સમયે હજી યોગ્ય માર્ગદર્શક સમીક્ષાઓની પ્રતીક્ષા હતી તેવા સમયમાં રમણલાલ યાજ્ઞિકે નાટક/રંગભૂમિની સમ્યફ વિચારણા કરી છે. તેમણે નાટક અંગે કશા અંતિમવાદી નિષ્કર્ષો નથી આપ્યા પણ આત્મસંયમમાંથી અને સ્થિર વિચારણામાંથી સરજાયેલ વિવેકપૂર્ણ સમીક્ષા તેમના લેખોમાંથી પામીએ છીએ. 'નાટક વિશે' – એ પુસ્તકમાં તેમના ગુજરાતી રંગભૂમિ અને નાટક વિશેના લેખો પ્રગટ થયા છે. આ પુસ્તક તેમના અવસાન પછી પંદર વર્ષે ૧૯૮૫માં સાહિત્ય અકાદમીના પ્રયત્નોથી પ્રકાશિત થાય છે. તેમાં તેમના ૧૭ લેખો, સંગૃહીત થયા છે.