પૃષ્ઠ:Gujaratni Gazalo.pdf/૬૫

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
[૬૩]


તો યે, સનમ ! સાકી ! અમારી રાહ તો જોજો જરૂર;
પીધા વિના આ જામને, રાહત નથી કે ચેને નથી.

તાઝિમોથી, ઈશ્કથી, લાખો ખુશામદથી. અગર−
જાઉં જહાંને લાવવા, તો ત્યાં મઝા એને નથી.

આશક થઈ પ્યાસી હશે આલમ તમારી એક દી;
સાથે લઈ પીણું શરાબી, હુઝ્ર ત્યાં પીવા નથી.


૩૬ : અમારી મસ્ત ફકીરી
ગઝલ


ફકીરીમાં સખિરી મેં, ભરી આજે મજા કેવી?
અમીરીને ફકીરીમાં, મળી આજે રજા કેવી? ૧

ફિકર ઘૂંટી કરી ફાકી, તમન્ના શી હવે બાકી ?
શરીરે ત્યાગની કફની, ચડાવી ત્યાં કજા કેવી ? ૨

ખલકને જાણતા ફાની, પછી પરવાહ તે શાની ?
નથી દરકાર દુનિયાની, મળે તે ક્યાં મજા એવી? ૩

પીવો પ્યાલા ભરી પાવો, કરીને જ્ઞાનનો કાવો,
અમીરીને ધરી દાવો, ફકીરીમાં મજા લેવી. ૪

કદી મખમલ તણી શૈય્યા, કદી ખુલ્લી ભૂમિ મૈયા,
કદી વહેતી મૂકી નૈયા, તરંગોની મજા લેવી. ૫

કદી ખાવા મળે લાડુ, કદી ખાવા પડે ઝાડુ,
રગશિયું દેહનું ગાડું, ઉપર ભગવી ધજા કેવી ? ૬.

કદી છે શાલ દુશાલા, કદી લંગોટ ને માલા,
કદી હો ઝેરના પ્યાલા, મળે તેવી મજા લેવી. ૭