પૃષ્ઠ:Gujaratni Gazalo.pdf/૭૨

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
[ ૭૦ ]


સ્વરગના સુખથી મીઠાં, જગતજંજાળ કાપંતાં−
મધુર મુજ ચુંબનો વિના, જીવું નહિ એમ કહેતી' તી.

રહીને રાતદિન પાસે, જિગર આપી લઈ બાધું,
અલૌકિક મૂર્તિની પેઠે, પૂજાઉં એમ કહેતી'તી.

ભીંજેલા નેહથી હુંને, સહજ એક નેનની સેને,
અજબ જાદુગરી મારી, નચાવું એમ કહેતી'તી.

તજું નહિ જીવ જાતાં હું, રૂડી વેલી શી રહું વળગી;
ગઈ ક્યાં પ્રેમની પ્યાલી? મને જે એમ કહેતી'તી !


૪ર : પ્રેમીની બેપરવાઈ


મીઠા હસવા મહીં' સચ્ચાઈ અરેરે કાંઈ ભાળી નહીં,
જગત જોઈ વળ્યો બધું, વફાઈ મેં નિહાળી નહીં.

હૃદય દ્રવતાંં પૂજી ઝાઝી, મનોહર મૂર્તિઓ પ્રેમે;
ગઈ સહુ વ્યર્થ મુજ સેવા, અનન્યે કોઈ રીઝી નહીં.

ફર્યો બની બાગમાં ઘેલો, મુખે ગુણગાન ગાતો હું,
સુણીને ગાન કોઈ ફૂલડે, હૃદયકળીને વિકાસી નહીં.

ગણ્યું નહિ માન કે જ્ઞાને, ગણું નહિ લેકની લજ્જા;
બની બેકેદ મેં કીધું, સરવનું સ્નાન, લેખ્યું નહીં.

બધા ભવબંધ કાપીને, ચટકીમાં મસ્ત કરી દેતો;
ઘણો જાચ્યો ગરીબીથી, લગીર પણ પ્રેમ પામ્યો નહીં.

અહીંનાં સુખડાં ભૂંડાં, દુઃખી અંતે નીવડવાનાં;
જગતજંજાળમાં ફરી એ, અમારો ઠાઠ જામ્યો નહીં.