પૃષ્ઠ:Gujaratno Jay.pdf/૧૫૨

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
138
ગુજરાતનો જય
 

તે ધૂળ પણ મહામૂલી છે.”

રાણા વીરધવલ – ખેડુ તો ખરા જ ને આખરે! – પહેલાં તો કાંઈ સમજ્યા નહીં. પછી મલકાયા; ને બોલ્યા, “હાંઉં ત્યારે, એના ઘરની ધૂળ તમારે રહી, મંત્રી"

“બાપુ રહેવા દો, મશ્કરી ન સમજો.”

"પણ કહું છું કે ધૂળ તમને રહી.”

“પછી મન બગાડશો નહીંને?"

“ના રે ના, ધૂળ હોય એટલી તમને રહી જાઓ મંત્રીજી ! સાત વાર તમને.”

“તો હવે સાંભળો.” વસ્તુપાલે વિગતથી વાત કરી, “એ ધૂળના ઓરડા ભર્યા છે. ને એ બધું શુદ્ધ સુવર્ણ છે.”

"શી રીતે?”

“એક વાર સદીકનાં સાત વહાણ સફરમાં દરિયે ગયાં હતાં. વાવાઝોડાનું તોફાન નડ્યું. વહાણો ડોલવા લાગ્યાં એટલે એના નાવિકોએ કાંઠેથી ગૂણીઓ ભરીભરીને રેતી વહાણમાં નીરમ લેખે ભરી. વહાણ ખંભાત આવ્યાં. સદકે પૂછ્યું કે શું લાવ્યા? નાવિકો કહે વેકુરી. દરિયાલાલની દીધેલી તો વેકૂરી પણ શ્રેષ્ઠ, એમ કહીને સદીકે વખારોમાં એ ગૂણીઓ ખડકાવી. એ જ વખારોમાં રૂ પણ ભર્યું હતું. એક વાર દીવાની જ્યોત રૂમાં લાગી. રૂ સળગ્યું, ને વેકુરીને આંચ લાગી. ઓગળીને થોડીક વેકૂરીનું સોનું બની ગયું”

“એટલે શું?”

“એ તેજમતૂરી નામની દરિયાઈ ધૂળ છે.”

“બસ ! કહી રહ્યા? એ ધૂળ હોય કે વેકૂરી હોય, કે સોનું હોય. હું તો તમને દઈ ચૂક્યો છું.”

"તે માથે ચડાવું છું. પણ આ લક્ષ્મી મારી નથી, રાજની છે. મારું ને રાજનું જુદું નહીં પડી શકે. ને જે રાજનું છે તે ગુજરાતના પુનરુદ્ધારમાં જ વપરાશે.”

"તે તો તમારે જ વાપરવાનું છે.”

"તો પહેલું પુણ્યકાર્ય હું સૂચવું? સ્તંભતીર્થમાં મારે એક વિજય અને આત્મસમર્પણનું સ્મરણચિહ્ન ઊભું કરાવવું છે. આપ સંમત થશો ?"

“કેમ બીક લાગે છે?”

"બીક એટલા માટે લાગે છે કે સોલંકીઓના ઇતિહાસમાં કદી બન્યું નથી તેવું કરવાનું છે. આજ સુધી રાજાઓના નામની દેરીઓ ને સમાધિઓ, સ્મારકો ને શૃંગો, સરોવરો ને વાવો થતાં આવેલ છે. મારે આપના હાથે જેનું ખાતમુરત કરાવવાનું છે...”