પૃષ્ઠ:Gujaratno Jay.pdf/૨૨૭

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
પરમાર બાંધવો
213
 


"ચાલ, હું તને વિગતવાર કહું.” એમ કહી, પોતાના એકાંત સ્થાનમાં લઈ જઈ ધારાવર્ષદેવે ભેદ સમજાવ્યોઃ “પંદર દિવસ પર એ દિલ્હીથી આંહીં છૂપો-છૂપો આવ્યો, મારી સાથે એકાંત કરી. મને પોતાની પાસેની ગુપ્ત મુદ્રાઓ, રુક્કાઓ વગેરે બતાવ્યાં. એ હતા મોજુદ્દીન સુરત્રાણ અલ્તમશના રુક્કા. મને તો આવડે નહીં, પણ પ્રહૂલાદને ઉકેલ્યા. આ જાસૂસ મને સુરત્રાણ મોજુદ્દીન તરફથી લાલચ આપવા આવ્યો હતો. હું એનાં સૈન્યોને ગુર્જર દેશ તરફ જવાનો મોકળો મારગ આપી દઉં તો હું આબુનો કાયમી મહારાજ બનું એવું કહેણ લઈ એ આવેલો. મેં એને આંહીં જ રોકીને મહામંત્રીને ખબર આપ્યા છે.”

"અરે હા, આપના ઉપર જેઠજીએ આ પત્ર આપ્યું છે.” એમ કહીને . અનુપમાએ એક બરુની ભૂંગળી બહાર કાઢીને મંડલેશ્વરના હાથમાં મૂકી. પત્ર બહાર કાઢીને વાંચ્યા પછી ધારાવર્ષનું દેદીપ્યમાન મોં કોઈએ શોષી લીધું હોય તેવું બની ગયું. થોડી વાર એ ન બોલી શક્યા. લાલ બનવા મથતી આંખોને એણે મહામહેનતે ઠેકાણે રાખી. એણે પ્રહરીને આજ્ઞા કરી. પેલા તુરકને અહીં લઈ આવો.” એ. આવી સન્મુખ ઊભો રહ્યો ત્યારે એની દાઢી પકડીને પોતે ખેંચી. નાળિયેર ઉપરથી છોતરું ઊખડી પડે એમ દાઢી એના મોં પરથી નીકળી ગઈ. એ દાઢી બનાવટી હતી.

પત્રમાં જોતે જોતે એણે બીજાં કેટલાંક ચિહ્નો મેળવ્યાં, મળી ગયાં. એણે પેલી મુદ્રા, રુક્કો વગેરે તપાસ્યાં; પત્રમાં કંઈક વાંચ્યું, છેવટે તુરકને કહ્યું: “જા ભાઈ! તારા ધણીને કહેજે જઈને કે પરીક્ષા લઈ જાણવાનું પહેલું શીખે; અને આબુ તો કાળમીંઢ પાણો છે. આગ ઉપર તો લોઢું ઓગળે, પાણો થોડો ઓગળે છે!”

મુક્ત કરેલા કેદીને લઈ પ્રહરી ચાલ્યો તે પછી ધારાવર્ષદેવે કહ્યું: “અનુપમા, આ તુરક-પ્રતિનિધિ બનાવટી હતો; અને એ પાછો ગુર્જર હતો. અમારું પાણી માપવા, અમારું પેટ લેવા મોકલ્યો હતો !" બોલતાં બોલતાં એ કાળાભઠ પડી ગયા.

“કોણે? જેઠજીએ?” અનુપમાને ફાળ પડી.

“તારો જેઠ એવું કરત તો હું એને જઈને તીરે વધત. પણ આ તો બાપદીકરાનું કામ ! મંત્રીશ્વર મને ખબર આપે છે કે રાણકશ્રી વીરધવલે આ ભૂલ કોઈને પૂછ્યા વગર કરી છે – રાણાજી લવણપ્રસાદનો સંશય દૂર કરવા માટે ! વાડ થઈને ચીભડાં ગળવા ચાલી ! હવે તો બેટી, અમે સૌ હેમખેમ આબરૂ સથોકા અચલેશ્વરના ચરણોમાં ચાલ્યા જઈએ તે જ માગીએ છીએ. અમે જો વધુ જીવ્યા તો મારું ને લવણપ્રસાદનું હજુ કોણ જાણે કેવુંયે સત લેવાશે.”

એમ કહેતાં કહેતાં એનો સ્વર ચિરાયો. આવડી બધી અસ્વસ્થતા અને આવડો