પૃષ્ઠ:Gujaratno Jay.pdf/૨૩૭

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
12
ચાલો માનવીઓ !

માઘ મહિનો બેઠો અને વસંતના ધીરા વાયરા વૃક્ષવૃક્ષને નવી ચમક આપવા મંડ્યા. એવો જ એક નવજીવનનો વાયુ ગુર્જર દેશ અને તેના પાડોશી પ્રદેશોની પ્રજાને પણ મૂર્ચ્છામાંથી ઢંઢોળી નવપલ્લવિત કરવા લાગ્યો.

ગામડે-ગામડેથી શકટો ને સુખપાલો, ઘોડાંને સાંઢ્યો, તરેહ-તરેહનાં વાહનો ને વાહિનીઓ વહેતાં થયાં. પશુઓની ડોકે ઘૂઘરમાળ ગુંજી, ગાડાંનાં પૈડાંમાં પાંદડીઓ રણઝણી. શ્રીમંતોનાં વાહનો કિનખાબની ઝૂલે સજ્જ થતાં હતાં અને નિર્ધનો પણ ખૂટતા બળદોની જોડ વસાવવા સીમાડે ખેતરે ઘૂમતા ખોળતા, પાડોશીઓ પાસે ઉછીનાં પશુઓ લેતાં હતાં. ધનિકોની ત્રિયાઓ હીરચીરના દાબડા ભરવા લાગી ને ગરીબોની બૈરીઓએ ગાભાનાં બચકાં બાંધ્યાં. પાટણથી લઈ નડૂલ પર્યત અને ધોળકાથી માંડી લાટદેશ સુધીનો આ સળવળાટ અપૂર્વ હતો. લોકપ્રાણ થીજેલાં પાણીની દશામાંથી મોકળો બનીને નવા સૂર્ય-સ્પર્શે, વર્ષો પછી, અરે પેઢીઓ વીત્યે, ફરી એકવાર પ્રવાહિત બન્યો હતો.

શું હતું?

એ હતું એક અણધાર્યું, અણકહ્યું અને અતિ આકર્ષક યાત્રાતેડું. નગરે અને ગામડે ધોળકાના મંત્રીશ્વર વસ્તુપાલ ઠક્કુરની કંકોતરી ફરી વળી હતી. ખેપિયાઓએ એક નાનકડા નેસડાને પણ બાકી ન રાખ્યું. ચાલો, ચાલો, ઓ માનવીઓ સૌરાષ્ટ્રનાં તીર્થસ્થાનોની યાત્રાએ ચાલો. નિર્ધનો ને ધનિકો, શ્રાવકો ને અશ્રાવકો, જેને જોડાવું હોય તે જોડાવ; આંધળાં ને અપંગો, તમે પણ ચાલો. બુઢ્ઢાં ને બાળકો, તમને પણ નિમંત્રણ છે. સંસારભારે ભાંગેલાં હોય તેઓને સંઘમાં શામિલ થવાને વધુ હક છે. પ્રવાસો અને પર્યટનો જેના પ્રારબ્ધમાં કદી સાંપડ્યાં નથી તેને તો પહેલું તેડું છે.

વાહનવિહોણાંને વાહન પૂરાં પાડશું, ઓઢણ-પાગરણનો અભાવ હશે તેને ધડકલી ઢાંકશું. પ્રભુના પૂજન અર્ચનાદિકની ત્રેવડ વગરનાંને તે પણ મફત મળશે. આજાર પડશો તો ઔષધિઓ આપીશું, ભોજનપાણી માટે સૌને પેટ ભરીને પીરસશું.